વર્લ્ડની પ્રથમ ટેસ્ટ મેચ ૧૮૭૭માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી ખેલાડીઓ હંમેશા પ્લેઇન વાઈટ ટી-શર્ટમાં જ મેદાને ઉતર્યા છે. હવે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ ૧૪૨ વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વાર નામ અને નંબરવાળી જર્સી પહેરીને મેદાને ઉતરશે.
બંને દેશ વચ્ચે ૧ ઑગસ્ટના એજેબેસ્ટન ખાતે એશિઝનો પ્રારંભ થઇ રહ્યો છે. ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ પછી આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ રમ્યા પછી એશિઝમાં ભાગ લેશે. ગયા વર્ષે તેઓ ઓસ્ટ્રેલિયા સામે ૦-૪થી હારી ગયા હતા. એશિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી સીરિઝ હશે.
બાઈલેટરલ ટેસ્ટ સિરીઝને રસપ્રદ બનાવવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાશે. ૧૫ જુલાઈ ૨૦૧૯થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ દરમિયાન વર્લ્ડની ટોપ-૯ ટીમ ૬ હોમ સિરીઝ અને ૬ અવે સિરીઝ રમશે. તે આઈસીસીએ નક્કી કરેલી ટીમ સામે ટકરાશે. આ સમયગાળા પછી ટોપ-૨ની ટીમ વચ્ચે જૂન ૨૦૨૧માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાશે.
આઈસીસી આ ચેમ્પિયનશિપની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની જર્સી વન-ડેની જેમ નામ અને નંબરવાળી કરવાની યોજના ઘડી છે. આમ કરવાથી પ્રેક્ષકો સરળતાથી ખેલાડીઓને ઓળખી શકશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને નામ અને નંબરવાળી જર્સીની વાત કન્ફર્મ કરી હતી.