કોલેજોમાંથી સેમેસ્ટર સિસ્ટમ હટાવવા ઉચ્ચ શિક્ષણ વિભાગની વિચારણા

727
guj1722018-12.jpg

રાજ્યમાં શાળા કક્ષાએ ધો.૧૦ અને ૧રમાં સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ થયા બાદ હવે કોલેજોમાં પણ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર સિસ્ટમ હટાવવા માટે સરકારનાં ઉચ્ચ શિક્ષણ વિભાગે ગંભીર વિચારણા શરૂ કરી છે. ગઈ કાલે સેમેસ્ટર સિસ્ટમ હટાવવા માટે શિક્ષણ પ્રધાનની ઉપસ્થિતિમાં આ બાબતે બેઠક યોજાઇ હતી. વિદ્યાર્થી સંઘ તથા અધ્યાપકોની માગ છે કે સેમેસ્ટર સિસ્ટમનાં અમલનાં કારણે ધો.૧૧, ૧રનાં અભ્યાસનું માળખું હવે ખતમ થયું છે. કોલેજમાં ઇતર પ્રવૃત્તિઓને કોઇ જ અવકાશ નથી રહ્યો. દિવસો સુધી પરીક્ષાઓ જ ચાલ્યા કરે છે. કોલેજનાં અધ્યાપક મંડળ અને આચાર્ય મંડળોએ પણ સરકારને સેમેસ્ટર સિસ્ટમ હટાવવાની લેખિત માગ કરી છે. તેઓએ રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓ કોલેજનાં અભ્યાસથી વિમુખ થતાં જાય છે. કોલેજોમાં ચાલતું નિયમિત શિક્ષણ કાર્ય બંધ થઇ ગયું છે. આ સ્થિતિમાં કોઇ પણ સંજોગોમાં કોલેજોમાં સેમેસ્ટર સિસ્ટમ ચાલુ રાખવી હિતાવહ નથી. કોલેજોમાં સિલેબસ મોટા હોય છે. અભ્યાસક્રમનાં પુસ્તકો મોટા હોય છે.આ અંગે અધ્યાપક મંડળનાં પ્રમુખ જશવંતસિંહે જણાવ્યું હતું કે કોલેજોમાં સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ કરવાની અમારી રજૂઆત સરકારે સાંભળી છે. આ બાબતને ગંભીરતાપૂર્વક વિચારણા હેઠળ લેવાની ખાતરી આપી છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી કોલેજોમાં પણ ધો.૧૧ અને ૧રની માફક સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ થવાની શકયતા છે.  બીજી તરફ સ્ટુડન્ટસ ઓર્ગેનાઇઝેશને પણ તમામ કોલેજોમાં એક સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૮ર ટકા વિદ્યાર્થીઓએ સેમેસ્ટર સિસ્ટમ સામે વિરોધ વ્યકત કર્યો છે. આગામી દિવસોમાં ઓર્ગેનાઇઝેશન શિક્ષણ પ્રધાન અને ધારાસભ્યોને રજૂઆત કરી પોસ્ટર કેમ્પેઇન, પત્રિકા વિતરણ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ કરશે.

Previous articleચૂંટણી જીતેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હાઈકોર્ટની નોટિસ
Next articleપાટણ આત્મહત્યા મામલે સરકાર તાત્કાલિક પગલા લેશે : વિજય રૂપાણી