શેરબજારમાં આજે સતત ચોથા કારોબારી સેશનમાં મંદીનું મોજુ રહ્યું હતું. કોર્પોરેટ કમાણીના નબળા આંકડા, આર્થિક મંદી, અન્ય વૈશ્વિક પરિબળોની વચ્ચે મૂડીરોકાણકારો રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. એચડીએફસી, એસબીઆઈ, આરઆઈએલ, એચસીએલ ટેક સહિતના શેરમાં વેચવાલી રહી હતી. આ તમામમાં એક ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. એસબીઆઈના શેરમાં બે ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. આ તમામ શેરમાં ઘટાડો થતાં સેંસેક્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. કારોબારના છેલ્લા કલાકમાં તીવ્ર વેચવાલી રહી હતી. બેંચમાર્ક સેંસેક્સ ૪૮ પોઇન્ટ ઘટીને ૩૭૯૮૩ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૮૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. એસબીઆઈના શેરમાં સૌથી વધુ કડાકો બોલી ગયો હતો. પાવરગ્રીડ કોર્પોરેશન, આઈટીસી, હિરોમોટોના શેરમાં તેજી જોવા મળી હતી. બ્રોડર નિફ્ટી ૧૫ પોઇન્ટ ઘટીને ૧૧૩૩૧ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૭૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૯૧૫ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪૯ પોઇન્ટનો સુધારો થતાં તેની સપાટી ૧૩૨૦૬ રહી હતી. મૂડીરોકાણકારો હાલમાં એશિયન બજારમાં જોવા મળી રહેલા પરિબળો ઉપર ધ્યાન આપી રહ્યા છે. કારોબાર નકારાત્મક માહોલમાં રહેવા માટે એક કારણ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જંગી નાણાં પરત ખેંચવા સાથે સંબંધિત છે. બજેટમાં સુપરરિચ પર ટેક્સના લીધે પણ ચિંતા છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં નબળી સ્થિતિ રહી હતી. નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધુ ઘટાડો ત્રણ ટકાનો રહ્યો હતો. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉથલપાથલ વચ્ચે એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી સ્ટોકમાંથી ૭૭૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સુપરરિચ ટેક્સની જાહેરાત બજેટ ૨૦૧૯-૨૦માં કરવામાં આવ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે. એફપીઆઈ દ્વારા અગાઉના પાંચ મહિનામાં ઇક્વિટી સેગ્મેન્ટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા.
આંકડા દર્શાવે છે કે, પહેલી જુલાઈથી ૧૯મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી વિદેશી રોકાણકારોએ ૭૭૧૨.૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જો કે, ડેબ્ટ સેગ્મેન્ટમાં આ ગાળા દરમિયાન ૯૩૭૧.૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. એફપીઆઈની સાથે સાથે ઉંચા ટેક્સ સરચાર્જની અસર પણ જોવા મળી રહી છે. કેન્દ્રીય બજેટમાં પાંચમી જુલાઈના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સૌથી અમીર લોકો ઉપર ટેક્સ સરચાર્જમાં વધારો કર્યો હતો જેની અસર વિદેશી રોકાણકારો ઉપર જોવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરિબળો પણ શેરબજાર ઉપર અસર કરશે. સોમવારના દિવસે વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૦૬ પોઇન્ટ ઘટીને ૩૮૦૩૧ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટીમાં ૮૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૩૩૭ રહી હતી. શેરબજારમાં હાલ પ્રવાહી સ્થિતિ બનેલી છે.