વડોદરાની સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડર ઝોયા ખાનને એક તરફી પ્રેમમાં મારી નાખવાની ધમકી આપનાર સુરત લોજપોર જેલમાં મર્ડર કેસમાં આજીવન સજા કાપી કરેલા કેદી સાકીર ઉર્ફે દાનીશ વશી અહેમદ શેખની નવાપુરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. પોલીસે આ મામલે આરોપીની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.૦
વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતી ટ્રાન્સજેન્ડર ઝોયાખાને નવાપુરા પોલીસમાં સાકીર ઉર્ફે દાનીશ વશી અહેમદ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે મોડેલિંગનો વ્યવસાય કરે છે. ૨૦૧૮ના વર્ષમાં મોડેલિંગ કરતી વખતે તેનો ફોટો કોઇ મેગેઝિનમાં છપાયો હતો. આ ફોટો જોઇને સુરતમાં રહેતા સાકીર ઉર્ફે દાનીશે તેનો કોન્ટેકટ કર્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યારબાદ સાકીરે ઝોયા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખ્યો હતો, પણ પોતે ટ્રાન્સજેન્ડર હોવાથી તેણે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો, તેમ છતાં સાકીરે અવારનવાર ઝોયાને ફોન કરીને ધમકી આપી હતી. છેલ્લે ૧૬ જુલાઇએ પણ રાત્રીના સમયે સાકીરે તેને ફોન કર્યો હતો અને હું પેરોલ પર છૂટવાનો છું, પ્રેમ નહીં કરે તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.