પોલીસના નાઈટ પેટ્રેલિંગના દાવા વચ્ચે ચાંદખેડામાં મોડી રાત્રે સશસ્ત્ર ટોળકી મોઢા પર રૃમાલ બાંધીને કન્સ્ટ્ર્કશન સાઈટ પર ત્રાટકી હતી. આરોપીઓે વોચમેનને ધાબળો ઓઢાડીને ચાકુની ધાક બતાવીને સાઈટની ઓફિસનું તાળુ તોડીને નળ ફીટીંગ તથા અન્ય સામાન મળીને ૧૦.૬૨ લાખની લુંટ ચલાવી હતી. આરોપીઓ સામાન ટેમ્પોમાં ભરીને ભાગી ગયા હતા. ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં રહેતા પંકજભાઈ બી.નાયકની ચાંદખેડામાં વૃદાવન પર્લ-૨ નામની સાઈટનું કામકાજ ચાલી રહ્યું છે. જેમાં તેમણે કન્સ્ટ્ર્કશનનો સામાન અહીંની ઓફિસમાં રાખ્યો હતો. સાઈટ પર નાઈટ વોચમેન તરીકે ઈશુભા જે.સોલંકી કામ કરતા હતા.
દરમિયાન ૨૧ જુલાઈના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે ૨૫થી ૩૦ વર્ષના સાતેક શખ્સો મોંઢા પર રૃમાલ બાંધીને સાઈટ પર આવ્યા હતા. જેમાં એક શખ્સે ઈશુભાને જરા ભી હિલા તો ચાકુ માર દુંગા કહેતા ગભરાયેલા ઈશુભા ખાટલા પર બેસી ગયા હતા. બાદમાં આ શખ્સોએ તેમના મોઢા પર ધાબળો ઓઢાડી દીધો હતો અને ઓફિસનું તાળુ તોડીને અંદરથી નળ ફીટીંગ, ઈનર અને અપર પાર્ટસ મળીને રૃ.૧૦,૬૨,૮૪૬ નો સામાન લુંટી લીધો હતો. આરોપીઓએ ઈશુભાના મોબાઈલનું સીમ કાર્ડ પણ તોડી નાંખ્યું હતું અને સામાન ટેમ્પો જેવા સાધનમાં ભરીને ભાગી ગયા હતા. આ અંગે ઈશુભાએ પંકજભાઈને જાણ કરી હતી. જેને પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લુંટારાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.