સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ રહેતા લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. સૌથી વધુ તલાલામાં કલાકોના ગાળામાં જ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. રાજકોટમાં હોર્ડિંગ્સ પડવાથી એકનું મોત થયું હતું જ્યારે હાપામાં વિજળી પડવાથી એકનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. બંગાળના અખાતમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના પરિણામ સ્વરુપે ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ટુંકા બ્રેક બાદ વધારે વરસાદ પડી શકે છે. રાજકોટથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર પંથક સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. ગીરગઢડા વિસ્તારમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ વરસાદી માહોલ જામ્યો છે. ગીરગઢડામાં કલાકોના ગાળામાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે તલાલામાં ચાર ઇંચ વરસાદથી અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા. ગીરગઢડામાં ભારે વરસાદના લીધે રુપેણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અન્ય મોટી નદીઓમાં પણ પાણીની આવક વધી ગઈ છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા. જામનગરના હાપામાં વિજળી પડતા એકનું મોત થયું છે.
વિજળી પડવાની ઘટનામાં મૃત્યુ પામનારની ઓળખ કરી લેવામાં આવી છે. ૧૫ વર્ષના ગૌત્તમ પરમારનું મોત થયું છે. આવી જ રીતે વરસાદી માહોલ વચ્ચે જોરદાર પવનના લીધે રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં હોર્ડિંગ્સ ધરાશાયી થતાં એકનું મોત થયું છે. અમરેલી જિલ્લામાં પણ આજે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધીકામાં જોરદાર વરસાદ થયો છે. વરસાદના લીધે લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, વેરાવળ, પોરબંદર પંથકમાં તમામ જગ્યાઓએ ભારે વરસાદ થયો છે. તલાલામાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. વંથલી અને ગીરમાં બે-બે ઇંચ સુધીનો વરસાદ થયો છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ એકથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી અકબંધ છે. આગામી બે દિવસ સુધી હળવા વરસાદી ઝાપટા બાદ ફરીથી ભારે વરસાદ થશે. ૨૮ અને ૨૯મીથી ગુજરાતના વિવિધ ભાગોમાં ઉલ્લેખનીય વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે પરંતુ ગુજરાતમાં અપેક્ષા મુજબનો વરસાદ મોનસુનની સિઝનમાં હજુ પણ નોંધાયો નથી. રાજ્યમાં ઓછા વરસાદનો આંકડો અથવા તો રેઇન ડેફિસિટનો આંકડો ૪૪ ટકા રહ્યો છે. ૧૮મી જુલાઈ સુધીમાં સામાન્યરીતે ગુજરાતમાં ૨૬૧.૨ મીમી સુધીનો વરસાદ થઇ જાય છે પરંતુ હજુ સુધી માત્ર ૧૪૫.૭ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. હાલમાં ભારે વરસાદ થયો હોવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે માઠી અસર થઇ છે. અહીં ઓછો વરસાદનો આંકડો ૬૩ ટકા સુધીનો રહ્યો છે. સામાન્યરીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મોનસુનની સ્થિતિ ઉલ્લેખનીયરીતે રહે છે એ વખતે ગુજરાતમાં મોટાભાગનો વરસાદ થાય છે. આઈએમડીના અધિકારીઓના કહેવા મુજબ મોનસુનની સ્થિતિ ખુબ જટિલ બની ચુકી છે.