મહીસાગરના કડાણા ડેમની ઘટતી જતી જળસપાટીના કારણે સિંચાઈ વિભઆગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સીધી અસર ખેડૂતો પર પડશે. મહીસાગર જિલ્લા સહિત અન્ય ૭ જિલ્લાને ઉનાળામાં સિંચાઈનું પાણી નહી મળે. જેમાં મહીસાગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ જિલ્લાના ખેડૂતોને આગામી ઉનાળામાં પાણી વગર વલખા મારવું પડશે.
સાત જિલ્લાના ખેડૂતોને કડાણા ડેમની સુજલામ સુફલામ કેનાલમાંથી ખેડૂતોને પાણી અપાતુ હતું. આ જિલ્લાઓમાં મહીસાગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર અને આણંદ જિલ્લો સામેલ છે. પરંતુ કડાણા ડેમમાં જળસપાટીનો સંગ્રહ રાખવા માટે અને આગામી ઉનાળાને ધ્યાનમાં રાખીને પીવાના પાણીનો જથ્થો જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગના આ નિર્ણયને કારણે આ સાતેય જિલ્લાના ખેડૂતો ઉનાળુ પાક લઈ નહિ શકે. કડાણા ડેમમાં પાણીની સપાટી ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે સુજલામ સુફલામ કેનાલમા પાણી બંધ કરાયું છે. કડાણા ડેમમાંથી ૭ જિલ્લાને આપવામાં આવતું સિંચાઈનું પાણી હવે નહિ અપાય.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે, ખેડૂતોએ ઉનાળુ પાક ન લેવો. ત્યાર બાદ ધીરે ધીરે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પાણીની તંગી સામે આવી રહી છે. જેમાં ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીના તળિયા દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં અનેક જગ્યાએ નર્મદા નદી સૂકી બની છે.