જૂનાગઢ મનપામાં ભાજપનો ભગવો : કોંગીના સૂપડા સાફ

566

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ યોજાયેલી ચૂંટણમાં ભાજપે જાણે કે, તેનું બુલડોઝર ફેરવી નાંખ્યું હતુ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના સૂપડા જોરદાર રીતે સાફ કરી નાંખ્યા છે. જૂનાગઢ મનપાની કુલ ૬૦ બેઠકો પૈકી ૫૯ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં આજે ૫૪ બેઠકો પર ભાજપે તેનો ભગવો લહેરાવ્યો હતો, જયારે એનસીપીને માત્ર ચાર બેઠક હાથ લાગી હતી અને કોંગ્રેસને તો વળી સમ ખાવા પૂરતી માત્ર એક જ બેઠક પ્રાપ્ત થઇ હતી. આ સિવાય જૂનાગઢ જિલ્લા પંચાયતની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ પાંચેય બેઠકો ભાજપે કબ્જે કરી લીધી હતી. જયારે તાલુકા પંચાયતની ૪૬ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને ૩૬ બેઠકો મળી હતી અને કોંગ્રેસના ફાળે સાત બેઠકો આવી હતી. આમ, જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ભાજપનું કમળ ખીલી ગયુ હતુ. જૂનાગઢના સ્થાનિક રાજકારણમાં ભાજપે વધુ એક સિધ્ધિ સાથે જૂનાગઢ મનપામાં બહુમતી મેળવી લીધી હતી. જૂનાગઢ મનપાની કુલ ૬૦ બેઠકમાં ૫૯ સીટ પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૫૪ સીટ પર જીત મેળવી હતી, જ્યારે એનસીપીને ૪ અને કોંગ્રેસને સમ ખાવા પૂરતી માંડ એક બેઠક મળી હતી. આમ જૂનાગઢ મનપાને કોંગ્રેસમુક્ત કરવામાં એક સીટ નડી ગઈ હતી. જ્યારે કોંગ્રેસ કરતા એનસીપીને ચાર ગણી વધુ બેઠક મળી હતી. વોર્ડ નં.૪માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મંજુલાબેનનો વિજય થતા કોંગ્રેસને એક બેઠક મેળવવામાં સફળતા મળતાં કોંગ્રેસનું અસ્તિત્વ સમ ખાવા પૂરતું ટકયુ હતું. ઉલ્લેખનીય છે કે, એક બેઠકની ચૂંટણી મુલતવી રહી છે. આજે વિપક્ષ નેતા સતિષચંદ્ર વીરડાની પેનલની હાર થતા તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢની પ્રજા વિકાસ ઇચ્છતી નથી. ગત ચૂંટણીમાં જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપને ૪૪ બેઠક મળી હતી. પરંતુ આ ચૂંટણીમાં ૧૦ બેઠકોનો વધારો થયો અને ૫૪ પર પહોંચી છે. જ્યારે કોંગ્રેસ પાસે ૧૫ બેઠક હતી, જે ઘટીને માત્ર એક રહી ગઈ છે. જ્યારે એનસીપી પાસે એકપણ બેઠક નહોતી, જે ૪ થઈ ગઈ છે. એટલે કે, એનસીપીએ ઘણો સારો દેખાવ કર્યો છે. આ સિવાય જિલ્લા પંચાયતની પાંચ બેઠકોની પેટાચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપ પાસે એક બેઠક હતી જે વધીને પાંચ થઈ છે અને કોંગ્રેસ ચાર બેઠકથી ઘટીને ઝીરો પર આવી ગઈ છે. આ જ પ્રકારે તાલુકા પંચાયતની ૫૪ બેઠકમાંથી ૪૬ પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ૩૬ બેઠક પર વિજય મેળવ્યો છે. આ પહેલા ભાજપ પાસે ૨૮ બેઠક હતી. જ્યારે કોંગ્રેસને ૭ બેઠક મળી છે, આ પહેલા કોંગ્રેસ પાસે ૧૮ બેઠક હતી. જ્યારે એનસીપીને ૩ બેઠક મળી છે. તો, આઠ બેઠક પર ચૂંટણી મુલતવી રહી છે. આમ કોર્પોરેશનની સાથે સાથે જિલ્લા અને તાલુકામાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થાય તે માટે મત ગણતરી સ્થળ પર ૬૫૦થી વધુ પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મત ગણતરી સ્થળ માટેના બિલ્ડીંગની અંદર, બહાર તેમજ ગ્રાઉન્ડમાં પણ સ્થાનિક પોલીસ, એસઆરપીની ટુકડીઓ તૈનાત કરાઈ હતી.

Previous articleલોક ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઈ, પ્રદેશ પ્રમુખ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી અભિનંદન આપ્યા
Next articleલીલાપુર પ્રા.શાળામાં ટીબી જાગૃતિ અપાઇ