ભાવનગરના નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ.કે. બક્ષી, સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ. જે. પરાશર સહિતના નામદાર ન્યાયધીશો તા.૨૧ રવિવારે આખો દિવસ ઓમસેવા ધામ સંસ્થાના નિરાધાર વડીલો સાથે રવિવારની રજા માણી હતી. નિઃસહાય અને નિરાધાર વડીલો માટે ભાવનગરના ન્યાયમુર્તિઓ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરાયું હતું. દરેક વડીલો ને સાથે લઈ ન્યાયાધીશો ફિલ્મ નિહાળવા સિનેમા હોલ ગયા હતા. ત્યાં દરેક વડીલને ખૂબ આનંદ કરાવ્યો હતો. અને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી લીધી હતી.
ઈપી સિનેમામાં ઓમસેવા ધામના નિરાધાર વડીલો સાથે ન્યાયાધીશ સાહેબોએ પરિવારજનો સાથે ગુજરાતી ફિલ્મ નિહાળી હતી. ત્યારબાદ બપોરે પરિમલ ખાતે આવેલ રંગોલી રેસ્ટોરન્ટ હોટેલમાં તમામ વડીલો સાથે ભોજન લીધું હતું. આમ ડિસ્ટ્રીક્ટ જજ મેડમ સહિત સર્વોએ રવિવારે રજા નો સમય ઓમસેવા ધામ ના વડીલો સાથે પસાર કર્યો હતો.
વડીલોને પ્રસન્નતા અને ચહેરા પર મુસ્કાન લાવવાના આ પ્રયાસ માટે ખૂબ સરસ વ્યવસ્થા ન્યાયમુર્તિઓ દ્વારા ગોઠવવામાં આવી હતી. આ પ્રેરણાદાયી કાર્ય બદલ વડીલો એ અપાર ખુશી વ્યક્ત કરી હતી. દરમિયાન સંસ્થાના પ્રમુખ વિજયભાઈ કંડોલિયા, અમીબેન મહેતા, બીપીનભાઈ ઝાલાએ ન્યાયમુર્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.