ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વહિવટી અધિકારી અને એકાઉન્ટ ઓફિસર દ્વારા બીલ પાસ કરવામાં અને સિવિલમાં ખરીદવામાં આવતી સામગ્રીમાં ૧૦થી ૧૫ ટકા સુધીનુ કમિશન ખાવામાં આવી રહ્યુ છે તેવો આરોપ અમદાવાદના વકીલ હિરેન પંડ્યાએ કરતા કલેક્ટર સહિત સિવિલના અધિકારીઓને રજૂઆત કરી છે. ગાંધીનગર કલેક્ટર દ્વારા સુપ્રિટેન્ડેન્ટને સીધી સૂચના આપવામાં આવી છેકે એક તપાસ કમિટી બનાવામાં આવે. જેમાં અધ્યક્ષ બહારની વ્યક્તિને બનાવવામાં આવશે.
સિવિલના એકાઉન્ટ ઓફિસર અને વહિવટી અધિકારી સામે એક વકીલે ખુલ્લો આક્ષેપ કર્યો છેકે એકાઉન્ટ ઓફિસર વી બી કુંપાવત અને વહિવટી અધિકારી બી એમ કટારા મહિને રૂપિયા ૫૦ હજાર રૂપિયા સિવિલમાંથી વસૂલે છે. સિવિલમાં એજન્સી અને સામાન આપતી પાર્ટીઓ પાસે ૧૦થી ૧૫ ટકા કમિશન લેવામાં આવી રહ્યુ છે. એકાઉન્ટ ઓફિસર કુંપાવત મોટા બીલમાં તથા અન્ય ખરીદીમાં મહિને અંદાજીત ૫૦ હજાર સુધીની રોકડી કરી લે છે.
જેમાં વહિવટી અધિકારી કટારાને મહિને ઉચ્ચક રૂપિયા ૨૦ હજાર આપી દેવાય છે એટલે ગાડુ જેમ ગડબે તેમ ગબડવા દે છે. જ્યારે દર્દીઓના ભોજન માટે લાવવામાં આવતા શાકભાજીના રૂપિયા ૧૫થી ૧૭ લાખ એક સાથે ચૂકવણી કરે છે. તમામ બાબતોથી સિવિલ સત્તાધિશો વાકેફ છે, છતા આંખ આડા કાન કરી રહ્યા છે.
વકીલની રજૂઆતને પગલે ગાંધીનગ કલેક્ટરે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. બિપિન નાયકને સીધો આદેશ કર્યો છેકે વહિવટી અધિકારી અને એકાઉન્ટ ઓફિસરના ગોરખધંધાને લઇને એક તપાસ કમિટી બનાવવામાં આવવી જોઇએ. જેમાં અધ્યક્ષ પદ ઉપર સિવિલ સાથે કાંઇ લેવા દેવા ના હોય તેવી વ્યક્તિની નિમણૂંક કરવામાં આવવી જોઇએ. જ્યારે કમિટીમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સહિત તબીબ અને અન્ય કર્મચારીઓને સભ્ય તરીકે નિમણૂંક આપી તપાસ કરવામાં આવવી જોઇએ.
નિવૃત કર્મચારીને કી પોસ્ટથી દુર રાખવાના સરકારના પરીપત્ર ને લઇને પણ તપાસ કરવામાં આવે. છેલ્લા કેટલાય વર્ષોથી સિવિલમાં ચાલતા બંને અધિકારી ઓના ગોરખધંધા ઉપર આખરે કોરડો વિંઝવામાં આવ્યો છે.