ભાવનગરના પૂર્વ મેયર અને કોંગ્રેસના નગરસેવિકા પારૂલબેન ત્રિવેદીને મહિલા કોન્સ્ટેબલે લાફો ઝીંકી દેવાની ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી છે.
ભાવનગર શહેરના જેલરોડ પર આવેલ શ્રમ નિકેતન સોસાયટીના કોમન પ્લોટની માપણી અને ઝાડ કાપવા માટેની કામગીરી સમાજ સુરક્ષા કચેરી દ્વારા હાથ ધરવામાં આવતા સોસાયટીના વસાહતીઓએ વિરોધ કર્યો હતો. આ ઘટનાના પગલે નગરસેવક રાજુભાઇ રાબડીયા, પારૂલબેન ત્રિવેદી સહિતના દોડી ગયા હતા.
સરકારી તંત્ર અને વસાહતીઓ વચ્ચે ઘર્ષણ થાય તેવી સ્થિતિમાં વસાહતીઓ પક્ષે રજૂઆત કરતા પારૂલબેન ત્રિવેદીને બંદોબસ્તમાં આવેલ મહિલા કોન્સ્ટેબલે લાફો ઝીંકી દેતા વાતાવરણ તંગ બન્યું હતું. ઘટના બાદ પારૂલબેનને સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ જવાયા હતા.
આ બનાવ અંગે નગરસેવક રાજુભાઇ રાબડીયા તથા જયાબેને માહિતી આપી હતી અને હકીકત જણાવી હતી. આ ઘટનાની જાણ થતાં કોંગ્રેસના આગેવાનો સહિતના હોસ્પીટલ દોડી ગયા હતા. જો કે પારૂલબેનને લાફો ઝીંકવામાં આવ્યો કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી. બનાવ અંગે મોડી સાંજ સુધી કોઇ ફરીયાદ પણ નોંધાવાઇ ન હતી.