રમતના મેદાનમાં હંમેશા એવી ઘટના બને છે જે પ્રશંસકોને અંદરથી હલાવે નાખે છે. પછી તે ક્રિકેટના મેદાનમાં ફિલિપ હ્યુજનું મોત હોય કે બોક્સિંગ રિંગમાં મેક્સિમ દાદાશેવનું દુનિયાને અલવિદા કહેવાની ઘટના હોય. રશિયાના ૨૮ વર્ષના બોક્સર મેક્સિમને ફાઇટ દરમિયાન માથમાં એવી ઇજા પહોંચી હતી કે તરત સર્જરી કરવી પડી હતી. હોસ્પિટલમાં મોત સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને છેલ્લા ૧૩ મુકાબલામાં અજેય રહેનાર બોક્સર જીંદગીનો દાવ હારી ગયો હતો.
આઈબીએફ જૂનિયર વેલ્ટરવેટ ટાઇટલના એલિમિનેટર બાઉટમાં સુબ્રિલ મટિયાસ સાથેની ફાઇટ દરમિયાન મેક્સિમને ઇજા પહોંચી હતી. માથામાં લોહી આવ્યા પછી તેની મેરિલેંડની એક હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. જોકે એક દિવસ પછી ડોક્ટરે કહ્યું હતું કે બોક્સરનું બ્રેન ડેમેજ થઈ ગયું છે. આ પછી તેનું મોત થયું હતું.
મટિયાસ અને મેક્સિમ દાદાશેવ વચ્ચે આક્રમક ફાઇટ ચાલી રહી હતી પણ ૧૧ રાઉન્ડ પછી દાદાશેવના ટ્રેનરે ફાઇટ રોકાવી દીધી હતી. તેણે જોયું કે દાદાશેવ ઘણો વધારે ઈજાગ્રસ્ત થયો છે. ટ્રેનરે કહ્યું હતું કે જો તેણે ફાઇટ ના રોકાવી હોત તો રેફરી અટકાવી દીધી હોત. વધારે ઈજાગ્રસ્ત થતા દાદાશેવ ઉલ્ટી કરવા લાગ્યો હતો. ‘મેચ મેક્સ’ના નામથી પ્રખ્યાત દાદાશેવ ડ્રેસિંગ રુમ સુધી જવાની સ્થિતિમાં પણ ન હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક સર્જરી પછી તેનું મોત થયું હતું. દાદાશેવ આ પહેલા ૧૩ મુકાબલામાં અજેય હતો.