સરકારી આવાસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, મહિલા સહિત ૨ની ધરપકડ

1107

કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસમાં મહિલાએ તેના ક્વાર્ટરમાં કૂટણખાનું ચાલુ કર્યું હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મહિલા તેમજ એક યુવાનને પોલીસે ઝડપી લીધો છે.

મળતી માહિતી મુજબ કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના ત્રણ માળિયા ક્વાર્ટર નં.૧, બ્લોક નં.૩૬માં રહેતી લીલા ઉર્ફે ઇલા શૈલેષ બગડા નામની મહિલાએ તેના ક્વાર્ટરમાં યુવતીને બોલાવી કૂટણખાનું ચલાવતી હોવાની તાલુકા પોલીસ મથકના સ્ટાફને માહિતી મળી હતી. જેના આધારે તાલુકા પોલીસે બપોરના સમયે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન લીલા ઉર્ફે ઇલા તેમજ અન્ય એક રૂમમાંથી એક મહિલા સાથે મોજમજા કરતો સુનિલ બચુભાઇ જારિયા નામના યુવાનને પોલીસે પકડી પાડ્યો હતો. ક્વાર્ટરમાં તલાશી લેતા કોન્ડોમના પેકેટ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી.

પોલીસે લીલા ઉર્ફે ઇલા અને સુનિલ જારિયાની ધરપકડ કરી લીલાના બે મોબાઇલ કબ્જે કર્યા છે. જ્યારે ક્વાર્ટરમાંથી મળી આવેલી યુવતીની પૂછપરછ કરતા તે રાજકોટમાં જ રહે છે અને લીલા તેણીને તેના ક્વાર્ટરમાં આવતા યુવાનો સાથે શરીરસંબંધ બાંધવા બોલાવતી હતી. યુવતીએ વધુમાં કહ્યું કે, લીલા ઉર્ફે ઇલા મોજમજા કરવા આવતા લોકો પાસેથી એક હજાર રૂપિયા લેતી હતી. તેમાંથી પોતાને ૫૦૦ આપતી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Previous articleડમ્પરની અડફેટે આવતા વિદ્યાર્થીનું મોત, ચાલકની ધરપકડ
Next articleચવાણાના પેકેટમાંથી ગરોળીનું મરેલું બચ્ચુ મળ્યું, ફરિયાદ થતા નમૂના લેવાયા