વીડિયો ડબિંગ મોબાઇલ એપ્લીકેશન ટીકટોકનો મહિલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહેલી આ મહિલા પોલીસ કર્મી મહેસાણાની હોવાની ચર્ચા છે. વાયરલ વીડિયોમાં મહિલા પોલીસ કર્મી પોલીસ સ્ટેશનમાં ખૂબ સારો ડાન્સ કરે છે, જોકે, આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની પુષ્ટી નથી થઈ પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો મહેસાણાના નામે વાયરલ થયો છે.
દરમિયાન વીડિયોની જાણ થતા મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું છે કે આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે જોકે, વણઝારાએ એમ પણ જણાવ્યું હતું કે વીડિયો ગમે ત્યાંનો હોય પરંતુ પોલીસને નોકરીમાં શિસ્ત જરૂરી છે. ટીકટોકમાં મહિલા પોલીસકર્મીના બે વીડિયો વાયરલ થયા છે.
ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં પાછલ પોલીસ લોકઅપ દેખાતું હોવાથી તે પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટી થઈ શકે છે પરંતુ મહિલા પોલીસ કર્મી કોણ છે તેની માહિતી મળી શકી નથી. ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશન ટીકટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે જે બેન કરી દેતા વિવાદમાં પણ સપડાઈ હતી. એક રિપોર્ટ મુજબ, ટીકટોક એપને દુનિયાભરમાં લગભગ ૧૦૦ કરોડથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ કંપનીના અધિકાર ચીનની કંપની બાઇટડાન્સની પાસે છે, જે દુનિયાની સૌથી વધુ વેલ્યૂવાળી સ્ટાર્ટઅપ કંપનીઓ પૈકીની એક છે.