ચાંદખેડા પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. પોલીસે ૧૨ વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિ સામે એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો. ઘટના એવી છે કે, પશ્ચિમ રેલવેના વિદ્યુત વિભાગમાં ફરજ બજાવી રહેલી ચાંદખેડાની મુક્તિબાઈ મીનાએ ફરિયાદ કરી હતી કે, ૧૦ જુલાઈની મોડી રાત્રે તેઓ પોતાના ઘરનો કેટલોક સામાન રાજસ્થાન મોકલવા મજૂરો પાસે તે નીચે ઉતરાવી ટ્રકમાં ચડાવડાવી રહ્યા હતા. તે દરમિયાન રમણ પટેલ તેમની કારમાં આવ્યા અને સામાન કેમ વચ્ચોવચ મૂક્યો છે તેમ કહી અપશબ્દો બોલ્યા હતા.
ઝ્ર-૫૦૨માં રહેતા રમણ પટેલે કારમાં આવીને સામાન કેમ વચ્ચે રાખ્યો છે તેમ કહીને અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. ત્યારે છ ૪૦૧માં રહેતા હેમેન્દ્ર પટેલ પણ નીચે ઉતરી આવ્યા હતા. ત્યા હાજર લખનલાલ, મુક્તિબાઈ અને ગીતાબેન તેમને રોકવા પ્રયાસ કર્યો પરંતુ બધા ભેગા મળી મુક્તિબાઈ અને ગીતાબહેનને ગડદાપાટુ મારવા માંડ્યા હતા. તેમાં વચ્ચે પડેલા મજૂરોનીય એ જ હાલત કરી હતી. ફરિયાદમાં મુજબ, બબાલ દરમિયાન રમણ પટેલના પત્ની દીપાલી અને હેમેન્દ્ર પટેલના પત્ની મિત્તલબહેન પણ નીચે આવ્યા હતા અને મુક્તિબાઈ, ગીતાબહેનને ગાળો ભાંડીને ઝઘડો કર્યો હતો.
પોલીસે તેમની રજૂઆતના આધારે ૧૧ જુલાઈના રોજ એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ હેઠળ રમણ પટેલ સહિત ચાર સામે ગુનો દાખલ કર્યો હતો. સામાન્ય સંજોગોમાં ત્રણ પડોશીઓ વચ્ચે સામાન વચ્ચે રાખવાના મામલે થયેલી બબાલ લાગે પરંતુ આખી ફરિયાદમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે, મુક્તિબાઈ અને ગીતાબહેને જેમને મુખ્ય આરોપી ગણાવી એટ્રોસિટીનો કેસ કર્યો તે રમણ પટેલનું ૧૨ વર્ષ પહેલા જ મૃત્યુ થયું હતું.