નારદીપુર ગામની શિવમનગર સોસાયટીના રહિશોએ છેલ્લા ત્રણ દિવસથી દુષિત પાણી આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. પાણીમાં કબુતરના માંસના લોચાની સાથે તીવ્ર વાસ મારતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. દુષિત પાણીને બંધ કરવાની માંગણી સાથે સ્થાનિકોએ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીને રજુઆત કરી હોવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
રાજ્યના મોટાભાગના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી નર્મદાનું પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ત્યારે પીવાનું પાણી દુષિત મળતું હોય તેવી ફરિયાદો જિલ્લાના ગામોમાં અવાર નવાર ઉઠવા પામે છે. જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામમાં આવેલી શિવમનગર સોસાયટીને નારદીપુર ગ્રામ પંચાયતના વોટરવર્કસના બોરનું પાણી સપ્લાય કરાય છે. પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી સોસાયટીના લોકોને દુષિત પાણી મળતા સ્થાનિકોમાં રોષ ઉઠવા પામ્યો છે.
પીવાના પાણીમાં કબુતરના માંસના લોચા, પીંછાની સાથે સાથે તીવ્ર વાસ મારતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. દુષિત પાણી આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ ઉઠવા પામ્યો છે. દુષિત પાણી મળતું હોવાનું સોસાયટીના રહિશોએ ગ્રામ પંચાયતના તલાટીને રૂબરૂમાં રજુઆત કરી છે. તેમ છતાં પરિસ્થિતિ જૈસે-થે હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
નારદીપુર ગામની શિવમનગર સોસાયટીને દુષિત પાણી આપવામાં આવતું હોવાથી સ્થાનિકોના આરોગ્ય સામે જોખમ મંડરાઇ રહ્યું છે. આથી સોસાયટીના રહિશોએ મોખાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લેખિતમાં રજુઆત કરી છે.નારદીપુર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને બોરનું પાણી અપાય છે. ગામની ઓવરહેડ ટાંકીની સીડીઓ જ જર્જરીત થઇ ગઇ હોવાથી ઉપર જઇ શકાય તેમ નહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ ઉપરાંત આ ગામમા પીવાના પાણીની હાલ પુરતી કોઈ વૈકલ્પિક સુવિધા આપવામા આવે તેવી માગણી પણકેટલાંક લોકો કરી રહ્યા છે.
ત્રણ દિવસથી બોરનું દુષિત પાણી મળતું હોવાથી સોસાયટીના રહિશો દ્વારા ગ્રામ પંચાયતના તલાટીને રજુઆત કરી છે. પરંતુ ટાંકીની સફાઇ કરવાને બદલે પાણીનો ઉપયોગ નહી કરવાની સલાહ આપતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ત્યારે જો આ ગામને મળતુ બોરનુ પાણી બંધ કરવામા નહિ આવે તો રોગચાળો ફેલાય તેવી ભીતી સેવાઈ રહી છે.