વરસાદ હાથતાળી આપ્યા બાદ રિસામણે બેઠો હોય તેમ એક મહિનાથી વરસાદ નહી આવતા ધરતીપૂત્રો સહિત લોકો પરેશાની અનુભવી રહ્યા છે. ત્યારે ધોધમાર વરસાદ પડે તે માટે લોકોએ ભગવાનનું શરણું લીધું છે. વરૂણદેવને રીઝવવા માટે અખંડ રામધૂન, શિવપૂજન, પર્જન્ય યજ્ઞ ઉપરાંત મહિલાઓ દ્વારા મેહુલિયો કાઢવામાં આવી રહ્યો છે.
વાયુ વાવાઝોડા બાદ વાવણી લાયક વરસાદથી ખેડુતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું હતું. છેલ્લા એક માસથી વરસાદ નહી આવતા વાતાવરણમાં અસહ્ય બફારો અને ગરમીએ સ્થાન લેતા ગ્રીષ્મઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. વર્ષાઋતુમાં ગ્રીષ્મઋતુ જેવું તાપમાન રહેતા ખેતરમાં લહેરાતી મોલાત સુકાઇ જવાની અણિ ઉપર છે. ત્યારે મેઘા હવે તો વરસ બાપલીયા તેવો સાદ ખેડુતોના નાભીમાંથી નિકળી રહ્યો છે. સતત બે વર્ષથી નહિવત વરસાદને પગલે નદી, નાળા તેમજ તળાવો સુક્કાભઠ્ઠ થઇ ગયા છે. જિલ્લાના વિવિધ ગામોમાં વિવિધદેવ મંદિરોમાં વરૂણદેવને મનાવવા અખંડધૂન, ભજનકિર્તન, મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું. આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો કેટલાક ગામોની બહેનો ગામેગામ મેહુલીઓ કાઢીને ઘેર ઘેર ફરીને ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયાસ કરશે.આ રીતે હવે મેઘરાજાને મનાવવા માટે લોકો વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે.
ધર્મગ્રંથોમાં વરૂણદેવને રીઝવવા માટે પરર્જન્ય યજ્ઞ કરવાનો ઉલ્લેખ કરાયો છે. આથી ઉવારસદના સરપંચે શિવપૂજન બાદ પરર્જન્ય યજ્ઞ કરાવ્યો હતો. માણસાના ગામોમાં અખંડ રામધૂન, દહેગામમાં મહિલાઓ દ્વારા મેહુલિયો કાઢ્યો સહિતના કાર્યો થકી વરૂણદેવને રીઝવવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકારના નિતી આયોગે દેશના વિવિધ વિસ્તારોમાં ભુર્ગભ જળની સ્થિતિ અંગે પ્રસિદ્ધ કરેલા રિપોર્ટમાં રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાનું ભુગર્ભ જળ ખલાસ થવાના આરે હોવાથી માત્ર એક જ વર્ષ સુધી જ ચાલી શકે તેટલું જ હોવાનો ઉલ્લેખ કરાયો છે. આથી જો વરસાદ પડે નહી તો પરિસ્થિત વધુ વિકટ બની શકે તેમ છે.
જિલ્લામાં ચાલુ સિઝનમાં હજુ સુધી પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં દહેગામમાં ૧૪૯ મી.મી., ગાંધીનગરમાં ૬૩ મી.મી., કલોલમાં ૧૬૪ મી.મી. અને માણસામાં ૧૬૧ મી.મી. વરસાદ પડ્યો છે.
જિલ્લામાં ૬૩૦૪૯ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરાયું છે. જેમાં મગફળીનું ૬૦૪૯, દિવેલાનું ૨૩૨, કપાસનું ૨૩૪૦૨, ગુવારનું ૧૯૮૪, ઘાસચારો ૧૯૧૧૧, શાકભાજી ૭૫૯૫, ડાંગર ૫૦૦, મગ ૩૦૯, હેક્ટરમાં વાવેતર કરાયું છે.