અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા અસહ્ય ગરમીનું પ્રમાણ વધ્યું છે. વધતા જતા તાપમાન ને કારણે અબાલ વૃદ્ધ સૌ કોઈ ભારે ત્રસ્ત છે જેના કારણે ઝાડા ઉલટી કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળવા ની સંભાવના છે. ખાસ શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. હાલ શાળામાં સમય ૧૧થી ૫ નો છે. શાળાના મકાન ધાબા વાળા અને ક્યાંક પતરા વાળા વર્ગખંડ આવેલા છે. જેના કારણે દિવસ દરમિયાન ભઠ્ઠીની જેમ તપી જાય છે. જેના કારણે નાના વિદ્યાર્થીઓને ચક્કર આવવાના કિસ્સા વધી ગયા છે. જેને પગલે સ્કૂલનો સમય વહેલો કરવા વાલીઓ માંગ કરી રહ્યા છે.
તાવ મેલેરિયા કોલેરા જેવા રોગ માં વિદ્યાર્થીઓને સપડાઈ જવાની સંભાવના રહેલી છે. જેના કારણે આજે મોડાસાની સરસ્વતી વિદ્યાલયમાં શાળાનો સમય સવારનો કરવા માટે વાલીઓએ સંચાલકો સામે હોબાળો મચાવ્યો હતો અને સ્કૂલ માં ધસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે ડીપીઓને પત્ર લખ્યો છે ત્યારે ખાનગી શાળાના સમયમાં પણ ફેરફાર કરી સવારનો કરવામાં આવે એવી વાલીઓએ માંગ કરી હતી.