આમ તો દર વર્ષે ચોમાસાની મોસમમાં લીલા શાકભાજી ડીમાન્ડ વધી જતી હોય છે. નિયત સમયે મોસમનો પ્રારંભ થવાના કારણે ખેડૂતો દ્વારા પણ શાકભાજીનું વાવેતર કરવામાં આવતું હોય છે અને લોકોને પણ લીલા અને તાજા શાકભાજી આ મોસમમાં આરોગવા મળતાં હોય છે. ત્યારે આ વર્ષે હજુ પણ જોઇએ તેટલા પ્રમાણમાં વરસાદ નહીં વરસતાં તેની અસર શાકભાજીના પાક ઉપર પણ જોવા મળી રહી છે.
સિઝન અગાઉ મોટા જથ્થામાં શાકભાજીનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે. ત્યારે ચોમાસાની મોસમનો પ્રારંભ થવાના પગલે નવી આવક થવાથી ઉનાળાની મોસમમાં જે પ્રકારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા હોય છે તેમાં પણ ઘટાડો થતો હોય છે અને લોકોને તાજા શાકભાજી મળી શકે છે.
તો આ વર્ષે ચોમાસાની મોસમનો પ્રારંભ થયાને એક માસથી વધુ સમય થવા છતાં વરસાદ યોગ્ય પ્રમાણમાં નહીં વરસતાં તેની સીધી અસર શાકભાજી ઉપર પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે ચોમાસાની મોસમમાં શાકભાજીના ભાવ ૧૦ થી ર૦ રૂપિયાના ૨૫૦ ગ્રામ એટલે કે ૭૦ થી ૮૦ રૂપિયા કિલોના ભાવે તમામ શાકભાજી મળતાં હોય છે પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે શાકભાજીની આવક પણ નહીં થઇ શકવાથી દિનપ્રતિદિન શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે.
જેના પગલે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. ગવાર, તુરીયા, દુધી, લીંબુ, રીંગણ, કારેલા, આદુ, ચોળી, ફલાવર, ધાણા, ટમેટા, મરચા, કોબી, કંકોળા, ભીંડા, કાકડી સહિત અન્ય શાકભાજીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો થવાના પગલે શાકભાજીનો સ્વાદ પણ કડવો લાગી રહ્યો છે. ચોમાસાની મોસમમાં લીલા શાકભાજી આરોગવાના રસીયાઓને હાલમાં થઇ રહેલાં ભાવ વધારાના કારણે એક ટાઇમ કઠોળ ખાવાની નોબત આવી છે.
તો બીજી તરફ વધી રહેલાં ભાવોના કારણે ગૃહિણીઓનું બેલેન્સ પણ ખોરવાઇ રહ્યું છે.તો શહેર અને જિલ્લામાં આવેલા શાકમાર્કેટમાં પણ શાકભાજીની પુરતી આવક નહીં થવાના કારણે ભાવ વધારો થઇ રહ્યો છે તેવું વેપારીઓ પણ જણાવી રહ્યાં છે તો હાલમાં તમામ શાકભાજી ૧૨૦ થી ૧૪૦ રૂપિયા કિલોના ભાવે બજારમાં વેચાઇ રહ્યાં છે.
તો ધાણા, મરચા, લીંબુ, આદુ જેવા લીલા મસાલાના ભાવ પણ વધી જવાના કારણે વઘાર કરવો પણ મોંઘો બન્યો છે. મેઘરાજા પણ રીસાયા હોય તેમ નહીં વરસતાં મોંઘવારીનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો હજુ પણ શાકભાજીના ભાવોમાં વધારો થશે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે. હાલમાં તમામ શાકભાજીના ભાવ સતક વટાવી ચુક્યાં છે.