નાણામંત્રી નિર્મલા સીતારામને આજે ટેક્સ ચોરી કરવાના પ્રયાસ કરી રહેલા લોકો સાથે મક્કમતા સાથે આગળ વધવા ટેક્સ અધિકારીઓને સૂચના આપી હતી. સિસ્ટમમાં સુધારો લાવવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. ઇમાનદારીપૂર્વક ટેક્સ ચુકવી રહેલા લોકોને વધુને વધુ સુવિધા મળે તે દિશામાં પહેલ કરવા માટે પણ સીતારામને કહ્યું હતું. સીતારામને કહ્યું હતું કે, કરદાતાઓએ ટેક્સ પેમેન્ટ ખુબ જ યોગ્યરીતે કરવું જોઇએ. કારણ કે દેશના નિર્માણમાં આની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. એક સજા તરીકે ટેક્સની ચુકવણી કરવી જોઇએ નહીં. કરચોરોને પકડી પાડવા પોતાની અંદર માહિતીની આપલે કરવા રેવેન્યુ વિભાગની ત્રણેય પાંખને નિર્મલા સીતારામને અપીલ કરી હતી. ઇન્કમટેક્સ ડે ઉજવણી વેળા અધિકારીઓને સંબોધતા સીતારામને કહ્યું હતું કે, પ્રયાસો કરવેરાની જાળને વધારવા માટે કરવામાં આવે તે જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્છા મુજબ હાલમાં ટેક્સ ચુકવતા લોકોની સંખ્યા આઠ કરોડની આસપાસ છે.
આ સંખ્યા વધવી જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, બજેટમાં નક્કી કરવામાં આવેલા ૨૦૧૯-૨૦ માટે ૧૩.૩૫ લાખ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ કરવેરા વસુલાતના ટાર્ગેટને હાંસલ કરી શકાય છે. કારણ કે, ટેક્સ વિભાગે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં વસુલાતને બે ગણી કરી છે. તેમણે કહ્યું હતું કે, સિસ્ટમમાં રમત રમી રહેલા લોકો પર નજર રાખવાની જરૂર છે. મોટા ડેટાનો ઉપયોગ કરી શકાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મુલ્યાંકનની પ્રક્રિયા ચાલી રહી છે. વ્યક્તિગતો ઉપર લાદવામાં આવેલા ઉંચા ટેક્સ માટે વિવાદ વચ્ચે તેમણે કહ્યું હતું કે, ટેક્સ પનિશમેન્ટ તરીકે અથવા તો સજા તરીકે વસુલવામાં આવતા નથી પરંતુ એવા ઇરાદા સાથે ટેક્સ વસુલ કરવામાં આવે છે કે, જે લોકો વધુ કમાણી કરી રહ્યા છે તે લોકો રાષ્ટ્રના નિર્માણમાં વધુ યોગદાન આપી શકે છે. અમે એવા લોકોની કમાણી પર અસર કરી રહ્યા નથી જે લોકોને વધારે જરૂર દેખાઈ રહી છે. અમને ટેક્સની જરૂર છે. કારણ કે, અમે આવક અને સંશાધનોના વિતરણની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા ઇચ્છીએ છીએ. વધુ ટેક્સ ચુકવનાર લોકો દેશના નિર્માણમાં વધુ તાકાત સાથે આગળ આવી શકે છે. ૨૦૧૯-૨૦ના બજેટમાં સરકારે ૨-૫ કરોડ વચ્ચેની કરવેરાપાત્ર આવક ધરાવનાર લોકો પર સરચાર્જને ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કર્યો હતો જ્યારે ૫ કરોડથી ઉપરની આવક માટે સરચાર્જને ૩૭ ટકા કરાયો હતો.