દ અનલોફુલ એક્ટિવીટીઝ (પ્રિવેન્સ) સુધારા બિલ ૨૦૧૯ (યુએપીએ) એટલે કે ગેરકાયદે ગતિવિધિ અટકાયત બિલને આજે લોકસભામાં મંજુરી મળી ગઈ હતી. આને ૮મી જુલાઈના દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલ ઉપર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદ સામે વધુ કઠોર કાયદાની જરૂર દેખાઈ રહી છે. બિલમાં આતંકવાદી સંગઠનોની સાથે સાથે આતંકવાદી ગતિવિધિમાં સામેલ વ્યક્તિઓને પણ આતંકવાદી ઘોષિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એન્ટી ટેરર બિલમાં આતંકવાદીઓ ઉપર સંપૂર્ણ સકંજો જમાવવામાં આવનાર છે. આતંકવાદીઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવનાર છે. કાયદામાં કેટલીક કઠોર જોગવાઈ કરવામાં આવી છે. કાયદામાં આની જોગવાઈ કેમ કરવામાં આવી તેને લઇને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં માહિતી આપી હતી. અમિત શાહે આતંકવાદી યાસીન ભટકલનો દાખલો આપતા કહ્યું હતું કે, એનઆઈએ દ્વારા તેના સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનને આતંકવાદી સંગઠન જાહેર કર્યો હતો પરંતુ ભટકલને આતંકવાદી જાહેર કરવા માટે કાયદામાં કોઇ જોગવાઈ ન હતી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આનો લાભ ઉઠાવીને ભટકલે ૧૨ આતંકવાદી હુમલાઓને અંજામ આપ્યા હતા. સુધારવામાં આવેલા કાયદા હેઠળ આતંકવાદી સંગઠનો અથવા તો આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.
આના માટે તપાસ અધિકારીને સંબંધિત રાજ્યના ડીજીપીના પૂર્વ મંજુરીની જરૂર રહેશે. જો મામલાની તપાસ એનઆઈએના કોઇ અધિકારી કરે છે તો સંબંધિત સંપત્તિને જપ્ત કરવા માટે સંબંધિત રાજ્યના ડીજીપીની મંજુરી લેવાની જરૂર પડશે નહીં. આના માટે એનઆઈએના મહાનિર્દેશકની મંજુરી મેળવવાની રહેશે. મોદી સરકાર વર્ષોથી કહેતી રહી છે કે, આતંકવાદ પર તેની નીતિ ઝીરો ટોલરન્સની રહી છે. યુએપીએ બિલને લોકસભાની મંજુરી મળી ચુકી છે. આ પહેલા એનઆઈએ સુધારા બિલને લોકસભાની સાથે સાથે રાજ્યસભાની મંજુરી મળી ચુકી છે. આ બિલ હેઠળ એનઆઈએને દેશની બહાર બીજા દેશોમાં પણ ભારતની સામે આતંકવાદ સાથે જોડાયેલા મામલામાં તપાસના અધિકાર મળી ગયા છે. અમિત શાહે આ બિલ ઉપર ગૃહમાં જોરદાર ચર્ચાનો જવાબ આપ્યો હતો. શાહે કહ્યું હતું કે, આતંકવાદ ઉપર તીવ્ર પ્રહાર કરવા માટે અતિકઠોર પગલાની જરૂર દેખાઈ રહી છે. ૧૯૬૭માં ઇન્દિરા ગાંધીની સરકાર જ આ કાયદો લઇને આવી હતી. શાહે ઉમેર્યું હતું કે, અર્બન નક્સલવાદ પર પ્રહાર કરવાની જરૂર દેખાઈ રહી છે. સરકારના આના પ્રત્યે બિલકુલ પણ સહાનુભૂતિ ધરાવતી નથી. આતંકવાદને પોષણમાં મદદ કરનાર, નાણાં ઉપલબ્ધ કરાવનાર, આતંકવાદના સાહિત્ય ઉપલબ્ધ કરાવનારને પણ ત્રાસવાદી જાહેર કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદ પર કઠોર કાર્યવાહી નહીં બલ્કે વાતચીતથી આતંકવાદ પર કાબૂ મેળવી શકાય છે. આ વિચારથી તેઓ બિલકુલ સહમત નથી. અમિત શાહે કહ્યું હતું કે, કોઇની પાસે બંદૂક હોય છે જેથી તે ત્રાસવાદી બની જતો નથી બલ્કે ત્રાસવાદી એટલા માટે બને છે કારણ કે તેના દિમાગમાં આતંકવાદી વિચારધારા હોય છે. કોંગ્રેસ સરકાર વેળા ત્રણ સુધારા કરવામાં આવ્યા હતા. યુએપીએ એક્ટની કલમ ૨૫ પર કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીના વાંધાઓનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે, વર્તમાન સરકારે આ કલમ ઉમેરી નથી.