કચ્છનાં પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાળી હત્યા કેસમાં એક પછી એક ચડાવ ઉતાર આવતા રહે છે. ત્યારે જેન્તી ભાનુશાળી હત્યા કેસમાં સ્પેશિયલ પી.પી. તરીકે રાજકોટનાં અભયભાઇ ભારદ્વાજને ખાસ સરકારી વકીલ તરીકેની જવાબદારી સોંપાઈ છે. તેમની સાથે સહાયક તરીકે જામનગરનાં તુષારભાઈ ગોકાણીને પણ સ્પે.પી.પી. તરીકે નિયુક્ત કરાયા છે. અંજાર કોર્ટમાં ચાલનારા આ કેસમાં હવે સરકાર વતી અજય ભારદ્વાજ અને તુષાર ગોકાણી બહુચર્ચિત જેન્તી ભાનુશાલી હત્યા કેસ લડશે. મહત્વનું છે કે આ કેસમાં કચ્છના બે મોટા રાજકીય માથાઓ છબીલ પટેલ અને જેન્તી ઠક્કરની ધરપકડ વચ્ચે હજુ પણ સુરજીત ભાઉ અને મનીષા ગોસ્વામી વોન્ટેડ છે.
અભયભાઇ ભારદ્વાજે જણાવ્યું કે જેન્તી ભાનુશાળી ભાજપના એક કાર્યકર્તા હતા અને ભાજપના એક કાર્યકર્તા તરીકે એમના પરિવારને જો એવું લાગ્યું હોય કે અમારા પરિવાનો એક વકીલ અમારા પરિવારને ન્યાય અપાવી શકે. તેવો જે વિશ્વાસ તેઓએ મારા પર મુક્યો છે. જેને સાર્થક કરવાની મારી ફરજ છે. કોઈ પણ સરકારી વકીલની પહેલી ફરજ સરકારી કાગળોનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ તપાસનીસ અધિકારીએ ખુબ મહેનત કરી હોવા છતાં કાયદાકીય રીતે કોઈ મુદ્દો નિકળી ગયો હોય અથવા કોઈ મુદ્દો ધ્યાન બાર રહી ગયો હોય તો. આવા કોઈ મુદ્દા કાગળોમાં અસ્તિત્વ ધરાવતા હોય તો એ માટે વિશેષ તપાસ કરવાની ભલામણ એક સરકારી વકીલ અધિકારીને કરી શકે છે.
સરકારી વકીલ ક્યારેય પણ ચોક્કસ આદેશ અધિકારીને આપી શકતાં નથી. મુળ કામ તપાસનીસ અધિકારીઓનું છે. જો કે હજુ સુધી મારી પાસે તપાસના તમામ કાગળો પ્રાપ્ત થયા નથી અને તપાસનીસ ટીમ સાથે મારી કોઈ ચર્ચા થઈ નથી.