કોંગ્રેસે ભ્રામક પ્રચારમાં કોેઈ કસર રાખી ન હતી : વાઘાણી

569

ભાજપા મીડિયા વિભાગની અખબારીય યાદી જણાવે છે કે, જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૫૯ બેઠકમાંથી ૫૪ બેઠક ઉપર ભાજપનો વિજય થતા આજે સવારે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના પટાંગણ ખાતે આભારસભા યોજાઈ હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતીમાં તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપ દ્વારા યોજાયેલ જુનાગઢવાસીઓના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં રાજ્ય સરકારના કેબીનેટમંત્રી જવાહર ચાવડા,પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા,પ્રદેશ ઉપાધ્યક્ષ અને જુનાગઢના પ્રભારી ગોરધન ઝડફિયા,પ્રદેશ અગ્રણી અને જુનાગઢના ચૂંટણી પ્રભારી નીતિન ભારદ્વાજ તથા જુનાગઢ શહેર/જીલ્લાના ભાજપા અગ્રણીઓ,ચૂંટાયેલા સભ્યઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જૂનાગઢવાસીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢને વિકાસની ચરમસીમા પર લઈ જવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. જૂનાગઢવાસીઓની અપેક્ષા-આકાંક્ષા મુજબ ગુજરાતના અન્ય મહાનગરોની માફક જૂનાગઢના વિકાસ માટે પણ કોઈ કસર છોડવામાં આવશે નહિ. રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ભ્રામક પ્રચાર કરવામાં કોઈ પ્રકારની કસર રાખી ન હતી. રાજકીય કાવાદાવા રચીને કોંગ્રેસે નકારાત્મક પ્રચારથી મતદારોને ભરમાવવાનો પ્રયાસ કર્યો હતો.

આમ છતાં જૂનાગઢની જનતા જનાર્દને સમજી વિચારીને મતદાન કરીને ભાજપને પ્રચંડ વિજય અપાવ્યો છે તે બદલ હું હદયપૂર્વક ઋણ સ્વીકારૂ છું. મુખ્યમંત્રીએ જણાવેલ કે,જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારોના થયેલા પ્રચંડ વિજયના પગલે ખાત્રી આપવા આવ્યો છું કે, આગામી પાંચ વર્ષમાં જૂનાગઢ મહાનગરનો બેનમૂન વિકાસ કરવામાં કોઈ કસર રાખવામાં આવશે નહિ. ભાજપની જીતના પાયામાં ભાજપના કાર્યકરોની મહેનત લેખે લાગી છે. પાર્ટીના અનેક આગેવાનો જેને અમે ટીકીટ આપી નથી શક્યા છતાં પણ તેઓએ હૃદયપૂર્વક પાર્ટીના પ્રચંડ વિજય માટે કરેલા પ્રચારના કારણે જૂનાગઢમાં કમળ ખીલી ઉઠયું છે. જૂનાગઢના વિકાસને ચરમસીમા ઉપર લઈ જવાની ખાત્રી આપતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ ,કે કોંગ્રેસની નાવ ડુબી ગઈ છે. વિકાસ અને ભાજપ સિક્કાની બે બાજુ બની ગયા છે.કોંગ્રેસનું અસ્તિત્વ જ રહ્યુ ન હોવાનું જણાવીને મુખ્યમંત્રી રૂપાણીએ અંતમાં જણાવેલ કે, જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના એકમાત્ર ઉમેદવારનો જ વિજય થયો છે. જેનાથી સાબિત થાય છે કે કોંગ્રેસનું કયાંય નામોનિશાન રહ્યું નથી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જૂનાગઢવાસીઓનો આભાર વ્યકત કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવેલ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજ્ય સરકારે લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવવાનો પ્રયાસ કર્યો છે. અમારા માટે જનતા જનાર્દન સર્વોપરી હોવાનું જણાવીને વાઘાણીએ ઉમેર્યુ હતુ કે, જૂનાગઢવાસીઓની ભાજપના ચૂંટાયેલા નગરસેવકો પ્રમાણિકતાથી જનતાની સેવા કરશે. આગામી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો પાયો જૂનાગઢથી નંખાયો છે. વાઘાણીએ કોંગ્રેસના નેતાઓને કોઈપણ મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંકીને જણાવ્યુ હતુ કે, મતદારોએ કોંગ્રેસની દુકાન બંધ કરી દીધી છે અને કાયમી બંધ પણ રહેશે. કોંગ્રેસને તેમના જુથવાદે જ નહી પરંતુ કોંગ્રેસના પેટમાં પાપ હોવાથી તેમને મતદારોએ જાકારો આપ્યો છે.

Previous articleખેત મજુરોને અકસ્માતના સમય એક લાખનું વળતર
Next articleકિંજલ દવે બાદ વધુ ૩ ગુજરાતી ગાયકોએ કેસરિયો ધારણ કર્યો