શિક્ષણનીતિ : બદલાવની નહીં, ક્રાંતિધ્યોતક હોય

607

સમાજનો સારો નરસો ફાલ ,યશ-અપયશ માટે આપણે શિક્ષણને જવાબદાર કરતા રહ્યા છીએ. તેમાં કોઇ મોટો અપસેટ પણ નથી..! કારણ કે તે નાગરિક ઘડતર જન્મદાત્રી છે. બેટાનું લક્ષણ પારણું તે કહેવતને પકડીએ સમાજની વિકૃતિ,મૂલ્યોનું તળિયાઝાટકપણું બધાનો છેડો ક્યાં નીકળે ?શિક્ષણ જ સ્તો !મારી શાળાના ધોરણ ૯ના પ્રવેશ પામેલા ૪૦ વિદ્યાર્થી ભાઈઓની એક દિવસ “અંગઝડતી ” લીધી. તો તેમાં ૧૦ ના ખીસ્સામાંથી તમાકુની ’ફાકી ’નીકળી!!! આ બદી તેઓએ ક્યાંથી મેળવી લીધેલી? જોકે શાળાએ તેને છોડાવવા કમર કસી, પરિણામ પણ સામે આવ્યું.પરંતુ આ બદી કે બદબોને પ્રવેશ કરાવનાર બાળક તો છે!! પણ વાલી- શિક્ષક કેટલો જવાબદાર ??મુલ્યો,આદર્શો વગેરેની બાદબાકી તેના અનર્થોના ભયાવહ પરિણામો !ક્યાંક ચૂંક થઈ રહી છે. શિક્ષણમાં ધરમૂળથી બદલાવ નવનિર્મિત ભારતની શરૂઆત હોઈ શકે.

શિક્ષણમાં ઘર કરી ગયેલી કેટલીક ઉધઈ ..!જેમ કે સરકારી તંત્રમાં વધુ પડતું રક્ષણ ,કામ ન કરવાની માનસિકતા, વાલીઓની બેફિકરાઇ, સેલ્ફ ફાઇનાન્સના નામે શિક્ષણ એક ધંધો, ખાનગીકરણના વિસ્તૃતિકરણથી બધું નિયમિત છતાં આખું તંત્ર કોરસપોન્ડન્ટ, ખાનગી સંસ્થાઓમાં તજજ્ઞ ફેકલ્ટીઓનો અભાવ, સરકારી સંસ્થાની બજેટ લાચારીથી શિક્ષકની જગ્યાઓ ખાલી, ગુણવત્તા નામે મીંડું, સંસ્થાઓની માન્યતાઓમાં માંગ અને પુરવઠાના સિદ્ધાંતનનો અભાવ ,બેરોજગારીનું પ્રમાણ ,તાંત્રિક શિક્ષણની વ્યાપકતા- ગુણવત્તા બંને પંગુ,સવાલો જ સવાલો છે !!તમામનો ઉકેલ અંધારામાં ફાંફા મારવા જેવું છે.?

મોદીજી પરિવર્તન હિમાયતી છે .ત્યાંથી અપેક્ષા, આબાદી ,ઓજસનું સરનામું શોધવું કઠિન નથી. પણ તે શિક્ષણની બાબતે નેજવા કરવા જેવી સતર્કતા દાખવી શક્યા નથી.સને ૨૦૧૪માં તેને સત્તારૂઢ થયા પછી વાગતી શિક્ષણનીતિની શહેનાઈઓ ૨૦૧૯માં પણ માંડવે પહોંચી નથી. માનવ સંસાધન મંત્રી શ્રીએ જુલાઈ આખરમાં સૂચનો મંગાવી તેના મુસ્દ્દાને આખરી તબક્કામાં લઈ જવાની મંશા રાખી છે.

છેલ્લે જે નવી શિક્ષણનીતિનો અર્કં સામે આવ્યો છે .જેમાં તેનો ઉલ્લેખ કરીએ તો તેમ જણાવાયું છે કે સેમેસ્ટર પ્રથા લાવવી, આર.ટી.ઈ.

ની જોગવાઈઓ વધુ વ્યાપક કરવી,૧૮ વર્ષ સુધી લઈ જવી, ચાર તબક્કામાં શિક્ષણને વેચવું ,૫+૩+૩+૪ની પદ્ધતિ લાવવી, અભ્યાસક્રમો રુચિપૂર્ણ કરવા, યુનિવર્સિટી-ઉચ્ચશિક્ષણ ગુણવત્તામાં ઉમેરો કરવો, તેને વધુ કારગત બનાવવા શાળા તથા ઉચ્ચ શિક્ષણની નિયામક જગ્યાઓ ઉભી કરવી ,ખાનગી સંસ્થાઓએ ફી નિર્ધારણ માટેની ત્રણ વરસે સમીક્ષા કરાવવી, ઉપરાંત વિવિધ ટીપ્સ રૂપકડી વાતો માં સમાવિષ્ટ છે .ગ્રામસ્તરથી શરૂ કરીને રાજ્ય સરકાર સુધી કન્સલ્ટેશનની મશક્કત કરવામાં આવી.  આખું વાજુ સતત ચાર વર્ષથી વાગે જ વાગે છે. જો કે હવે પ્રભાતિયાં ગવાય છે, સવાર જરૂર પડશે.

મુદાલિયર, કોઠારી અને કેટલાક શિક્ષણપંચોએ જે વાત કરી હતી તે હવે થોડાં નવીન ઉમેરા સાથે આવી રહી છે. સમગ્ર ફેરફારમાં લાગે છે કે જૂનું એ સોનું હોય તેથી તેનું પુનરાગમન થયું છે.ખાનગી સંસ્થાઓના વ્યાપને નિયંત્રિત કરીને સરકારી શિક્ષણ ને મજબૂતી બક્ષવામાં આવશે તો ગ્રામ જગતના લાચાર બાળકને બચાવી શકાશે ! તેને તક આપવાનું નવું સોપાન ગણાશે. સરકારી શિક્ષણના વ્યવસ્થાપન માંથી સરકાર ધીમે-ધીમે ખસી જવા ઇચ્છતી હોય તેવો અંદેશો પકડાયો છે. રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો બને પણ બાળકને નિશાળે લાવવા પૂરતો !!?શું આપણે તેની વયકક્ષા સુધીનો સાર્વત્રિક વિકાસ કરી શક્યા છીએ?

આર.ટી.ઈ.ના માળખાને વિસ્તારવાથી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ ઘરઆંગણે મળતું થશે .એ સંતોષ લઈ શકાશે કે આપણે આખાં ભારતને ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ વોકીંગ ડીસ્ટન્સમા પુરું પાડવાની તક આપી રહ્યાં છીએ .પરંતુ એ પછી બાળકોનું શું? ગુણવતાની ચિંતા જરૂરી છે .ગાંધીવિચારની કેળવણી આજે પણ પ્રસ્તુત છે. જ્યાં સુધી “શ્રમ”ને શિક્ષણનો પાયો ગણવામાં ન આવે કે તેને પ્રાથમિકતા ન અપાય તો ટેકનોક્રેટ ભારતીયની કલ્પના શક્ય નથી !? તાંત્રિક,વ્યવસાયિક શિક્ષણને પ્રતિનિધિત્વ આપો.સરકારી નોકરીઓની તકો આવતા દિવસોમાં હવે કલ્પનાતીત બની જવાની સંભાવના નથી પણ ભીંતસત્ય છે .હવે શિક્ષણ નોકરી માટે નહીં ,સ્વવિકાસ અને સ્વનિર્ભરતા નું પોષક બને એવું લાંબાગાળાનું આયોજન ઉપયોગી સાબીત થશે .અભ્યાસક્રમોના ઘડતર અને ચણતરની સમીક્ષા જરુરી. મૂલ્યનિષ્ઠા ,સર્જકતા, સ્વાવલંબન જેવા બાબતોનુ મહત્વ અંકાય તો તેવા અભ્યાસક્રમો ઉપયોગી બનશે.

–લાસ્ટ ટોક–

શિક્ષણનીતિ ૨૦૧૯ માં અમલમાં આવશે પરંતુ બંધારણના શેડ્યુલ સાતમાં શિક્ષણ વિષય રાજ્યને અપાયેલો છે ,તમાંથી ક્યા, કેટલાં રાજ્યો તેનો સંપૂર્ણ અમલ કરે છે, એ પણ મહત્ત્વનું બની રહેવાનું છે!

Previous articleસૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં બે ઇંચ સુધીનો વરસાદ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે