અશક્ત વ્યકિતઓનો અધિકાર અધિનિયમ પર લાભુભાઈ સોનાણીનું વકતવ્ય યોજાયું

931
bvn1822018-4.jpg

આજ રોજ તા. ૧૭ને શનિવારનાં રોજ સવારે ૧૦.૦૦ કલાકે  અંધ ઉદ્યોગ શાળા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા અને અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ‘અશક્ત વ્યક્તિઓનો અધિકાર અધિનિયમ-૨૦૧૬’ પર વિકલાંગતા ક્ષેત્રનાં તજજ્ઞ લાભુભાઈ સોનાણીનાં ખાસ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વકતવ્યનો મુખ્ય હેતુ વિકલાંગો માટે ઘડાયેલ નવા કાયદાનું જ્ઞાન વિકલાંગ વ્યક્તિઓ સરળતાથી મેળવી શકે, તેનો લાભ ઉઠાવી શકે તેમજ નવા કાયદા અનુસાર વિકલાંગ વ્યક્તિઓ પોતાના અધિકારોથી પરિચિત બને તે હતો. પોતાના વક્તવ્યમાં લાભુભાઈ સોનાણીએ ‘અશક્ત વ્યક્તિઓનો અધિકાર અધિનિયમ-૨૦૧૬’નાં ૧૭ પ્રકરણો-તેની ૧૦૨ કલમો અને પેટા કલમો અનુસાર સમજૂતી આપી હતી. જેમાં વર્તમાન રાજ્ય સરકારે વિકલાંગોનાં હિતાર્થે ભરવાના વિવિધ પગલાઓ ધારાની કલમો જેવી કે કલમ ૬૦ મુજબ કેન્દ્રીય સલાહકાર બોર્ડ, કલમ ૬૬ મુજબ રાજ્ય સલાહકાર બોર્ડ અને કલમ ૭૨ મુજબ જિલ્લા સલાહકાર સમિતિની રચના કરવી તેમજ કલમ ૭૪ અંતર્ગત મુખ્ય કમિશનરની તેના બે સહાયક કમિશનર સાથે નિમણૂક કરવી અને કલમ ૭૯ અંતર્ગત મુખ્ય કમિશ્નર તેમજ રાજ્ય રાજ્ય કમિશ્નર તેના સહાયક કમિશ્નર સાથેનાં કમીશનની નિમણુક કરવી તથા વિકલાંગોને ઝડપી ન્યાય મળે તે માટે કલમ ૮૪ અંતર્ગત  જિલ્લાસ્તરે ખાસ અદાલતની સ્થાનપા કરવા જેવા મહત્વના મુદ્દાઓ વિગતે સમજાવ્યા હતા. આ પ્રસંગે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ દ્વારા આ અધિનિયમની ગુજરાતી સંક્ષિપ્ત પુસ્તિકાનું અનાવરણ કરી ઉપસ્થિત સૌ-કોઈને આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યભરના વિકલાંગોને વિનામૂલ્યે આ પુસ્તિકા મળે તે માટે બ્રેઇલ ગ્રંથાલય, એન.એ.બી. ભાવનગર જિલ્લાશાખા, વિદ્યાનગર, ભાવનગરનો સંપર્ક સાધવા  જણાવેલ.  
આ પ્રસંગે ઉપસ્થિત સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જે.જોશીએ સંસ્થાના કાર્યને ઉત્તમ ગણાવ્યું હતું. આ વકતવ્યમાં બહોળી સંખ્યામાં વિશિષ્ટ શિક્ષકો, વિકલાંગ વ્યક્તિઓ, વિકલાંગતા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓનાં ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ખાસ  ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબુદ્ધિ કસોટીમાં વિદ્યાર્થીઓ ઝળક્યા
Next articleગરિયાધારમાં રૂબેલા રસીકરણ કેમ્પ યોજાયો