શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ પ્રતિબંધક ધારાની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં લગ્નના ત્રીજા જ દિવસે પતિ ઓફિસના કામે બહાર જવાનું કહી નીકળ્યો હતો અને પોતાની પ્રેમિકા સાથે ગાંધીનગરની એક હોટેલમાં રોકાઈ સાંજે ઘરે પાછો ફર્યો હતો. આ વાતથી અજાણ પત્નીના હાથમાં વીસ દિવસ પછી ક્રેડિટ કાર્ડનું બિલ આવતા ભાંડો ફૂટ્યો હતો.
કાલુપુરમાં રહેતી માલતી (ઉં.૨૫)ના લગ્ન શાહપુરના વિકાસ સાથે જાન્યુઆરીમાં થયા હતા. લગ્નના ત્રીજા જ દિવસે વિકાસે પત્નીને કહ્યું કે, તે ઓફિસના કામે બહાર જાય છે. ત્યારબાદ પતિ સાંજે પાછો ઘરે ફર્યો હતો. દરમિયાન વીસેક દિવસ પછી માલતી ઘરે એકલી હતી ત્યારે ટપાલી ક્રેડિટ કાર્ડનું બિલ આપી ગયો હતો.
સ્વભાવિક રીતે માલતીએ બિલ પર નજર નાંખી તો ધ્યાને આવ્યું કે, ગાંધીનગરની એક હોટેલનું બિલ ક્રેડિટ કાર્ડથી ચૂકવાયું હતુ. માલતીને શંકા જતા તેણે આ બાબતે પોતાના ભાઈને વાત કરતા બંને ભાઈબહેને હોટેલમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે, માલતીનો પતિ વિકાસ કોઈ મુસ્કાન નામની યુવતી સાથે હોટેલમાં રોકાયો હતો.આ અંગે માલતીએ સાસુ-સસરાને કહેતા તેમણે કહ્યું કે, આ બધું તો ચાલ્યા કરે, મારો દીકરો છોકરીઓને લઈને ફરશે. આ અંગે માલતીએ પતિ સાથે વાત કરવા છતાં તેણે મુસ્કાન સાથે ફોન પર વાત કરવાનું ચાલું રાખ્યું હતું. તેમજ સાસુ-સસરા માલતીને ત્રાસ આપી દહેજ બાબતે મેણા મારી છૂટાછેડા માટે દબાણ કરતા હતા. અંતે માલતીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ મામલે માલતીએ પતિ, સાસુ સસરા અને મુસ્કાન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. (પાત્રોના નામ બદલ્યાં છે)