ગાંધીનગરમાં ૨૧૯૧ લોકોને કૂતરાં કરડ્‌યાંઃ ૩૪૦૦ શ્વાનનું ખસીકરણ

554

ગાંધીનગરમાં રખડતા કુતરાની રંજાડને રોકવા મહાપાલિકાએ ૧ કરોડના ખર્ચની યોજના હાથ ધરી છે. કુતરાને પકડવા અને ઓપરેશન કરીને જ્યાંથી પકડ્‌યા હોય તે જ સેક્ટરમાં ફરી છોડવા સહિતનું કામ ખાનગી એજન્સીને સોંપાયું છે. મહાપાલિકા વિસ્તારમાં ૧૫ હજાર જેટલા સ્ટ્રીટ ડોગ હોવાની માહિતી રેન્ડમ સરવેથી મેળવાઇ છે. ગત જાન્યુઆરી મહિનાથી શરૂ કરાયેલી કામગીરી બાદ અત્યાર સુધીમાં ૩,૪૦૧ કુતરાના ખસીકરણ ઓપરેશન કરાયા છે. બીજી બાજુ છ મહિનામાં સિવિલમાં કુતરા કરડવાના ૨૧૯૧ કેસ નોંધાયા છે.

મહાપાલિકા ૨૦૧૧માં કાર્યરત થયા પછી ૨૦૧૬માં ડમ્પિંગ સાઇટ પર પશુ દવાખાનું ખોલીને કુતરાના ખસીકરણ માટે જરૂરી વ્યવસ્થા સાથેનું ઓપરેશન થિયેટર ઉભુ કરાયું છે. ડીએમસી ભરત જોષીએ જણાવ્યું કે ૩૦ સેક્ટર અને ૬ શહેરી ગામ સહિતના વિસ્તારમાંથી કુતરા પકડીને ઓપરેશન કરાઇ રહ્યાં છે અને ખસીકરણના દરેક ઓપરેશન પાછળ ૧,૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ નિયત કરાયો છે. એજન્સીએ જ ડોગ કેચર લાવવાના અને ખસીકરણના ઓપરેશન કરનાર વેટરનીટી ડોક્ટર સહિતનો મેનપાવર લાવવાના હોય છે.

કૃઅલ્ટી ટુ એનિમલ એક્ટનો અમલ કરાય છે, ડૉ. કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે કુતરાને ઇજા થાય તે રીતે સાણસાથી નહીં પરંતુ જાળ નાખીને જ પકડવાની કાયદામાં જોગવાઇ છે.કુતરાને ખસીકરણ બાદ તે સ્વસ્થ થાય ત્યાં સુધી બે-ત્રણ દિવસ પૌષ્ટિક ખોરાક અપાય છે. રોજ ૩૫ ઓપરેશન થાય તેવી વ્યવસ્થા છે.

હાલ રોજ ૧૮ જેટલા ઓપરેશન થાય છે. કુતરૂ કરડ્‌યાના ૨૧૯૧ કેસ સિવીલમાં નોંધાયા છે. જાન્યુઆરીમાં ૫૨૩, ફેબ્રુઆરીમાં ૩૮૯, માર્ચમાં ૪૨૯, એપ્રિલમાં ૨૮૫ મેમાં ૩૧૦ અને જુન માસમાં ૨૪૨ કેસ નોંધાયા છે.

Previous articleલગ્નના ત્રીજા દિવસે પ્રેમિકા સાથે હોટેલમાં ગયેલા પતિનું ક્રેડિટ કાર્ડનું બિલ ઘરે આવતા ભાંડો ફૂટ્યો
Next articleમોડાસા પ્રાથમિક શાળાના બાળકોના માથે મોતનું જોખમઃ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં