મોડેલ આરટીઓનો વહિવટ ચાર્જના પણ ચાર્જમાં ચાલે છે

501

ગુજરાત રાજ્યમાં ગાંધીનગરની આરટીઓને મોડેલ આરટીઓ તરીકે ડેવલોપ કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારની મોડેલ આરટીઓમાં વર્ષ ૨૦૧૪થી પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની નિમણૂક જ કરવામાં આવતી નથી તેના કારણે છેલ્લા ચાર વર્ષથી ચાર્જમાં ચાલતી આ કચેરીમાં ઇનચાર્જ ઓફિસર અને ઇન્સપેક્ટર છેલ્લા ૨૦ દિવસથી રજા ઉપર જતા રહેતા હવે આ ચાર્જમાં ચાલતી આરટીઓ કચેરીનો વહિવટ અન્ય અધિકારીને ચાર્ચમાં સોંપવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ગાંધીનગર આરટીઓને મોડેલ આરટીઓ તરીકે પસંદગી કરવામાં આવી છે અને તેના ભાગરૂપે જરૂરી સુધારા વધારા તેમજ અખતરા અહીંથી જ થાય છે તેવી સ્થિતિમાં ગાંધીનગરની આરટીઓમાં પણ વારંવાર સર્વર ખોટવાવાને કારણે કામગીરી ઠપ્પ થવાના કિસ્સાઓ પણ બન્યા છે પરંતુ વર્ષ ૨૦૧૪થી ગાંધીનગર જિલ્લા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના મુખ્ય અધિકારી રીટાયર્ડ થયા બાદ આ મહત્વની જગ્યા ઇન્સપેક્ટરને ચાર્જમાં જ આપી દેવામાં આવી હતી. છેલ્લા ચાર વર્ષથી ગાંધીનગર આરટીઓ ઇન્ચાર્જ એઆરટીઓના હવાલે જ ચાલતી હતી. પરંતુ છેલ્લા ૨૦ દિવસથી ઇનચાર્જ એઆરટીઓ રજા ઉપર ઉતરી જતા આરટીઓનો વહિવટ ડખે ચઢ્યો છે અને ગાંધીનગર આરટીઓ હાલ ચાર્જના પણ ચાર્જમાં ચાલી રહી છે.

એઆરટીઓ રજા ઉપર ઉતરી જતા ગાંધીનગર આરટીઓનો ચાર્જ નવા અધિકારીને સોંપવામાં આવ્યો છે .જેના કારણે ગાંધીનગર આરટીઓમાં લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન, ટ્રાન્સફર સહિતની કામગીરી કરવા આવતા અરજદારોને મુશ્કેલી વઠેવી પડે છે. ત્યારે આ મહત્વની જગ્યાને કાયમી ઓફિસર નિયુક્ત કરવામાં આવે તો ચાર્જની ચોપાટમાંથી આરટીઓ મુકત થઇ શકે તેમ છે તેમજ અરજદારોના કામ પણ સરળતાથી થઇ શકે તેમ છે.

Previous articleમોડાસા પ્રાથમિક શાળાના બાળકોના માથે મોતનું જોખમઃ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં
Next articleબનાસકાંઠા / વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, અંબાજી મંદિરમાં તપેલામાં બેસી પર્જન્ય યજ્ઞ