ગુજરાતમાં મિની જાપાનનું સપનું આજે સાકાર થયું છે : PM મોદી

1366
guj1582017-9.jpg

જાપાનીઝ ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ માટે ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તામિલનાડું એમ ચાર સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. મહાત્મા મંદિરમાં ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મિની જાપાન જોવાનું મેં જે સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે. ગુજરાતમાં વધુ એક જાપાની ટાઉનશીપ બનશે. વડાપ્રધાને જાપાની પીએમ આબે શિન્ઝોને પોતાના ખાસ અંગત મિત્ર ગણાવ્યા હતા, મોદી આ વાક્ય બોલ્યા ત્યારે આબે શિન્ઝો સહિત ઉપસ્થિત તમામ લોકોએ ઊભા થઈ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધું હતું. મોદીએ જાપાનના લોકોને ભારતમાં આવી કામ કરવાનું પણ આમંત્રણ પાઠવી પૂરતા સહકારની બાંયધરી આપી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આભાર પ્રાઈમ મિનિસ્ટર આબેશાન, હું આમંત્રણ આપું છું કે એવું રોકાણ કરો કે અહીં જ વસી જાવ. અમને તમારી જરૂરિયાત છે. આબેનો આભારી છું કે તેમણે મને સપોર્ટ કર્યો. ભારત અને જાપાનના સંબંધો એક નવી ઊંચાઈ સર કરશે. જાપાન પાસે જ્ઞાન અને ટેક્નોલોજી તથા ભારતમાં માનવસંસાધનને વધુ કાર્યક્ષમ બનાવવાની ક્ષમતા નવી તાકાત બનીને ઊભરશે. ભારતમાં જાપાની કંપનીઓનું મૂડીરોકાણ દેશના ઔદ્યોગિક વિકાસનો નકશો બદલી નાખશે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ૫૦૦ કિમીના અંતરનું આ સોપાન ૨૦૨૨-૨૩ સુધીમાં કાર્યરત થશે, તેના માટે હાઈસ્કીલ મેનપાવર જોઈશે, જે બંને દેશો પૂર્ણ કરશે.

Previous articleઅકી આબે અંધજન મંડળની મુલાકાત દરમિયાન ભાવવિભોર
Next articleટ્રક કાર વચ્ચે અકસ્માત : ત્રણને ઈજા