ટીમ ઇન્ડિયાનો ધમાકેદાર બેટ્સમેન યુવરાજ સિંહ છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે. આઇપીએલમાં છેલ્લી ત્રણ સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન પછી યુવરાજે આખરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ સાથે જ યુવરાજે બીસીસીઆઇએ વિદેશી ક્રિકેટ લીગ મેચ રમવાની પરવાનગી માગી હતી. જોકે ગુરુવારે યુવરાજના ચાહકોને ભારે નિરાશા થઈ છે. ગ્લોબલ ટી-૨૦ કેનેડા લીગની પહેલી મેચમાં યુવરાજ મોટી ઇનિંગ નહોતો રમી શક્યો અને આઉટ ન થયો હોવા છતાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
આ મેચમાં યુવરાજ ગ્લોબલ ટી૨૦ કેનેડા લીગમાં ટોરેન્ટો નેશનલ્સ તરફથી રમી રહ્યો હતો. યુવરાજની ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી. આ ટીમે પહેલી ઇનિંગમાં ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાનમાં ૧૫૯ રન બનાવ્યા હતા. આના જવાબમાં વૈંકોવર નાઇટ્સની ટીમે નિર્ધારીત લક્ષ્ય માત્ર ૧૮ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. આ મેચમાં ક્રિસ ગેઇલ માત્ર ૧૨ રન બનાવી શક્યો હતો.
ટોરેન્ટો નેશનલ્સની તરફથી રોડ્રિગો થોમસ ૪૧ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ સમયે યુવરાજ પાસે પોતાની પ્રતિભા દેખાડવાની તક હતી પણ તે આનો ઉપયોગ ન કરી શક્યો.
યુવરાજે શરૂઆતમાં સંભાળીને રમવાની શરૂઆત કરીને ૨૬ બોલમાં ૧૪ રન બનાવી લીધા હતા. આ સમયે એક બોલમાં યુવરાજે સ્ટમ્પની અપીલ થતા પહેલાં જ પેવેલિયન પરત ફરી જવાનું નક્કી કર્યું હતું. હવે યુવરાજની ટીમ ટોરેન્ટો નેશનલ્સની આગામી મેચ શનિવારે ૨૭ જુલાઈએ એડમંટન રોયલ્સ સાથે થશે.