છ દિવસની મંદી પર બ્રેક : બાવન પોઇન્ટનો ફરીવાર સુધાર નોંધાયો

442

શેરબજારમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. ઉદાસીન કારોબારના દોર આજે પૂર્ણ થયો હતો અને કારોબારના અંતે નજીવો સુધારો થયો હતો. ઓટો મોબાઇલ, મેન્યુફેક્ચર્સ, બેંકિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં તેજી રહી હતી જેના લીધે કારોબારના અંતે સેંસેક્સ બાવન પોઇન્ટ અથવા તો ૦.૧૪ ટકા સુધરીને સેંસેક્સ ૩૭૮૮૩ની સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન જે શેરમાં મોટો ઉછાળો નોંધાયો હતો તેમાં યશ બેંક, બજાજ ફાઈનાન્સ, હિરો મોટો, એમએન્ડએમનો સમાવેશ થાય છે. વેદાંતા, એચડીએફસી, ભારતી એરટેલ અને રિલાયન્સમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ૩૨પોન્ટિ સુધરીને ૧૧૨૮૪ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૭૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૮૫૬ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૨૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૦૬૦ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ટોપ પરફોર્મરની સ્થિતિ રહી હતી તેમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. પ્રાઇવેટ બેંક અને પબ્લિક સેક્ટર બેંક ઇન્ડેક્સ સહિત નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં તથા નિફ્ટી ફાર્મામાં એક-એક ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૦.૮૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન શેરબજારમાં આજે મંદી રહી હતી. અમેરિકામાં કમાણીના નબળા આંકડા રહ્યા છે. બીજી બાજુ યુરોપિયન સેન્ટ્રલ બેંકમાં નિરાશાજનક માહોલ રહેતા તેની અસર પણ જોવા મળી છે. મિશ્ર સ્થિતિ વચ્ચે જાપાનના નિક્કીમાં ૦.૪૫ ટકા અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૦.૪૦ ટકાનો ઘટાડો રહ્યો હતો.  હાલમાં વિદેશી મૂડીરોકાણકારો દ્વારા નાણા પરત ખેંચવાનો પ્રવાહ જારી રાખવામાં આવ્યો છે. બજેટમાં સુપરરિચ ઉપર ટેક્સ લાગૂ કરવામાં આવ્યા બાદ આને લઇને પણ નિરાશા પ્રવર્તી રહી છે. એફડીઆઈના મામલામાં કેટલાક જટિલ નિર્ણયોના લીધે પણ બજારમાં નિરાશા છે. ઉપરાંત કંપનીના ત્રિમાસિકગાળાના કમાણીના આંકડા નિરાશાજનક છે. ભારતમાં અબજોપતિની ક્લબમાં શેરબજારમાં મંદીના લીધે સંખ્યા ઘટીને ૭૧ થઇ ગઇ છે જે માર્ચ ૨૦૧૮ના અંતમાં ૯૦ જેટલી નોંધાઈ હતી. ભારતના ટોપ પ્રમોટરો પણ અબજોપતિની ક્લબમાંથી આઉટ થઇ ચુક્યા છે. પાંચ વર્ષ સુધી સ્થિર સુધારો રહ્યા બાદ અબજોપતિ પ્રમોટરોની યાદી ઘટી છે. કારણ કે, છેલ્લા ૧૬ મહિનાના ગાળામાં ટોપ લિસ્ટેડ કંપનીઓ પૈકી મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. આવા પ્રમોટરોની સંખ્યા હવે માર્ચ ૨૦૧૮માં ઓલટાઈમ હાઈ ૯૦થી ઘટીને ૭૧ થઇ છે. માર્ચના આ વર્ષે આ સંખ્યા ૮૧ હતી. ૭૧ અબજોપતિ પ્રમોટરોની સંપત્તિ હવે ૩૨૬ અબજ ડોલર નોંધાઈ છે જે ગયા વર્ષે માર્ચ મહિનાના અંતમાં ૩૫૩ અબજ ડોલર રહી હતી. શેરબજારમાં ગઇકાલે સતત છઠ્ઠા દિવસે મંદીનું મોજુ રહ્યું હતું. સેંસેક્સ ૧૭ પોઇન્ટ ઘટીને ૩૭૮૩૧ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં ૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૨૫૨ રહી હતી.

Previous articleકારગિલ યુદ્ધના હિરો લાન્સ નાયક આબિદ હતા : હેવાલ
Next articleછેડતીના આરોપમાં માર માર્યા બાદ યુવકની ખાનગી હોસ્પિટલમાં મોત