વરાછા અને કતારગામમાં રખડતાં પશુઓ જોખમી અને ન્યુસન્સ સાબિત થઇ રહ્યાં હોવાની ફરિયાદો તંત્રને મળી છે. તંત્ર માટે માથાનો દુઃખાવો બની ગયેલાં રેઢિયાળ પશુઓના પાલક પણ ન મળતાં તંત્ર હેરાન થઇ રહ્યું છે. રહેણાક વિસ્તારમાં ફરતાં પશુઓથી લોકો પરેશાન હોવાની અસંખ્ય ફરિયાદો પાલિકાને મળી છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે પાલિકા કમિશનરે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી રિપોર્ટ કરવા સૂચના આપી હતી. જેમાં આ રખડતાં પશુઓના પાલકો સુધી પહોંચી તેમના તબેલાં કાયદેસર છે કે નહીં તેની પણ તપાસ કરવા જણાવાયું છે.
જો તબેલા કે પશુ નોંધાયેલાં ન હોય તો તેને દૂર કરવા પણ આદેશ કરાયો હતો. આગામી દિવસોમાં પાલિકા ઝોન સ્તરે હયાત તબેલાઓની યાદી મેળવવા સરવે શરૂ કરશે. જેના આધારે તેની કાયદેસરતા ચકાસી કાર્યવાહી કરશે. રખડતાં ઢોરનો ખાસ કરીને શાકમાર્કેટ વિસ્તારમાં જેવા કે લંબે હનુમાન રોડનાં ગાયત્રીનગર રોડ શાક માર્કેટ, મોટાવરાછા, અબ્રામા રોડ, સરથાણા વ્રજ ચોક રોડ, પુણાગામના લક્ષ્મણનગર, કાપોદ્રાના ઝડફિયા સર્કલ, સીમાડાની સ્વામીનારાયણનગર માર્કેટ તેવી જ રીતે સરથાણાના વીટીનગર, કાપોદ્રાના મરઘા કેન્દ્ર, એલ એચ રોડની અશોકવાટિકા સાગર સોસાયટી, યોગી ચોકના ગોદાવરી સોસાયટી પાસે, સિલ્વર ચોક, યોગીનગર સામે અને સીમાડા ગામના બાપા સીતારામ ચોક ખાતે ત્રાસ હોવાની ફરિયાદો અગાઉ પણ સામે આવી હતી.