છેલ્લા કેટલાક દિવસથી લોકોમાં ટિકટોક વીડિયો બનાવવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ પ્લેટફોર્મ પર વીડિયો બનાવી લોકો પ્રસિદ્ધિ મેળવવા નીતનવા અખતરા કરી રહ્યાં છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવકે તો હદ્દ પાર કરી દીધી. યુવકે પોલીસની પીસીઆર કાર પર બેસીને વીડિયો બનાવ્યો, જે હાલ વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો રાજકોટનો છે.પ્રાપ્ત વિગત પ્રમાણે ટિકટોકમાં વીડિયો બનાવવા માટે પોલીસ વાહનનો ઉપયોગનો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય જનતાની સુરક્ષા માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી કારનો મોજમજા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક યુવક સિવિલ કપડામાં જીપના બોનેટ પર બેઠો છે, જ્યારે પોલીસની યુનિફોર્મમાં એક શખ્સ જીપ ચલાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ પોલીસતંત્ર દોડતું થયું હતું. બાદમાં તપાસ કરતાં બહાર આવ્યું કે આ વીડિયો રાજકોટનો છે અને રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની જીપ છે. તો વીડિયો બનાવનાર પૂર્વ ટ્રાફિક વોર્ડન હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસની આબરૂના લીરેલીરા કરતો આ વીડિયો વાયરલ થતા હવે રાજકોટ સીપીએ તપાસના આદેશ આપ્યા છે.