ગાંધીનગર શહેરના સે-ર માં રહેતા બે ભાઈઓએ ગાંધીનગર નાગરિક બેંકમાંથી લોન લીધી હતી જેમાં એક ભાઈએ રપ લાખ મકાન બનાવવા અને બીજાએ મોંઘીદાટ બીએમડબલ્યુ કાર ખરીદવા ૪૦ લાખની લોન લીધી હતી. જો કે બેંકની નોટિસ છતાં આ લોનના હપ્તા નહીં ભરતાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નાગરિક બેંક દ્વારા સે-ર૧ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે જેમાં બે ભાઈઓની સાથે જામીન થયેલા વ્યક્તિઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-પ/સી પ્લોટ નં.૯૫૨/ર માં રહેતા અને ગાંધીનગર નાગરિક બેંકમાં રીકવરી ઓફીસર તરીકે કામ કરતાં જીતેન્દ્રભાઈ પુરુસોત્તમભાઈ પટેલે સે-ર૧માં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સે-ર/ડી પ્લોટ નં.૧૦૧૯/૧માં રહેતા અનિલભાઈ વ્રજલાલ મેવાડાએ બીએમડબલ્યુ કાર ખરીદવા માટે બેંકમાં ૪૦ લાખની લોન મુકી હતી જે ગત તા.૬ એપ્રિલ ર૦૧૬ના રોજ મંજુર કરવામાં આવી હતી. આ લોનમાં સે-ર/ડી પ્લોટ નં.૧૦૦૭/૧માં રહેતા જયેશકુમાર અંબિકાપ્રસાદ રાવલ અને પેથાપુરમાં રહેતા નરેન્દ્રસિંહ ભગવાનસિંહ વાઘેલા જામીન તરીકે રહયા હતા.
શરૂઆતમાં બેંકના હપ્તા ભરવામાં આવ્યા હતા પરંતુ પાછળથી તે બંધ કરી દેવાયા હતા અને આ સંદર્ભે બેંકે નોટિસો પણ આપી હતી પરંતુ તેનો કોઈ જવાબ આપ્યો નહોતો. તેમજ જે મકાન બતાવ્યું હતું તેની ઉપર પણ લોન લીધી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમની સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે તો આ અનિલ મેવાડાના ભાઈ સે-ર/ડી પ્લોટ નં.૧૦૧૯/૧માં રહેતા નિરવ વ્રજલાલ મેવાડાએ પણ બેંકમાંથી મકાન બાંધકામ પેટે રપ લાખ રૂપિયાની લોન લીધી હતી અને આ લોનમાં સે-ર/ડી માં રહેતા ભાગ્યેશ પ્રફુલચંદ્ર પટેલ અને સે-ર૮માં રહેતા સત્યમ અરવિંદભાઈ તપોધનને જામીન તરીકે રાખ્યા હતા. જે રપ લાખની લોન લીધા બાદ બાંધકામ નહીં કરીને તેનો અન્ય જગ્યાએ ઉપયોગ કર્યો હતો તેમજ બેંકના હપ્તા પણ ભરવાનું બંધ કરી દીધું હતું. જેથી તેમની પત્નિ હેતલબેન મેવાડા સહિત ચાર વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.