ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં આજે પસાર કરવામાં આવ્યું હતું. કેનાલમાંથી પાણી ચોરી અને કેનાલમાં થતાં નુકસાનને અટકાવવા રાજ્ય સરકારનું વિધાનસભામાં સુધારા વિધેયક ગૃહમાં પસાર થઈ ગયું. આ વિધેયકમાં સજા અને દંડમા વધારો કરાયો છે. આ અંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, આ બિલ પાણી ચોરો ઉપર નિયંત્રણ લાવશે. નવા વિધેયકમાં પાણી ચોરી કે તેને લગતી પ્રવૃત્તિના કેસમાં બે વર્ષની કેદ સુધીની સજાની જોગવાઇ કરાઇ છે. જયારે રૂ.દસ હજારથી લઇ બે લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઇ ઉમેરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના કાયદામાં, જુની જોગવાઈ મુજબ નહેરને નુકસાનકારક કામગીરી બદલ અગાઉ ત્રણ થી છ મહિના સુધી કેદની સજા અને પાંચથી દસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ હતી પરંતુ તે હવે સુધારી વધુ આકરી અને સખત બનાવવામાં આવી છે. આ વિધેયક અંગે ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર છેલ્લા ઘણાં વર્ષોથી ખેડૂતોને પાણી મળે તે માટે ચિંતા કરે છે. સુજલામ સુફલામ, નર્મદા સહિત અનેક યોજનાઓથી પાણી પહોંચાડ્યું છે. દોઢથી બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે પાણી પહોંચાડ્ાયું છે. જેનો સીધો લાભ ખેડૂતોને મળ્યો છે અને તેમનું ઉત્પાદન વધ્યું છે.
આ બિલ જે ખૂબ ઓછા લોકો કે જે પાણી ચોરી કરે છે તેના પર નિયંત્રણ લાવશે. માથાભારે લોકો ખેડૂતો સુધી પાણી પહોંચવા દેતા નથી. કાયદામાં સજાની જોગવાઈ વધારી છે. નાના ગુનામાં નાની સજા અને મોટા ગુનામાં મોટી સજાની જોગવાઈ કરી છે. આ કાયદો ઉધોગગૃહો, ખેડૂતો કે રાજકીય પક્ષના નેતાઓ પર પણ લાગુ પડશે. કોંગ્રેસની સરકારમાં માધવસિંહ સોલંકી પણ આ બિલ લાવ્યા હતા. પાણી ચોરી અટકાવવા માટે સુધારા વિધેયકનો કોંગ્રેસ દ્ગારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં સુત્રોચ્ચાર કરીને બિલ પાછું ખેંચવાની માગ કરી હતી. આ બિલ ખેડૂત વિરોધી હોવાનું કોંગ્રેસ જણાવ્યું હતું. જે બાદ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના સભ્યોએ સીએમ ઓફિસ બહાર ધરણાં કરી વિરોધ નોંધાવ્યો હતો.