આસારામ આશ્રમ ખાતે બે બાળકોના અપમૃત્યુ કેસ અંગે તપાસ પંચનો અહેવાલ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. બંને બાળકોના શરીરના કેટલાક અંગો તાંત્રિક વિધિ માટે કાઢી લેવામાં આવ્યા હોવાનું હજુ સુધી સાબિત થયું નથી. બીજી બાજુ એફએસએલ રિપોર્ટ અને તબીબી પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવે તો બાળકોના મૃત્યુ ડુબી જવાથી થયા હોવાનું નકારી શકાય નહીં. આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, તપાસ પંચ દ્વારા કરવામાં આવેલા સૂચનો ઉપર રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ડીકે કમિશને જે તારણ આપ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, આસારામ આશ્રમને સાબરમતી નદી તરફના પાછળના ભાગમાં આવેલા દરવાજા ઉપર આશ્રમ સત્તાવાળાઓ દ્વારા કોઇ વોચમેન રાખવામાં આવ્યા ન હતા. દિપેશ અને અભિષેક ત્રીજી જુલાઈ ૨૦૦૮ના દિવસે આશ્રમ છોડીને ક્યારે અને કેવીરીતે ગયા તેના કોઇ નક્કર પુરાવા મળ્યા નથી.
સ્થાનિક પોલીસને પાંચમી જુલાઈ ૨૦૦૮ના દિવસે સાંજે જાણ થઇ હતી કે, સાબરમતી નદીમાં બે મૃતદેહ છે છતાં પોલીસે તરત તપાસ હાથ ધરી ન હતી.
તાંત્રિક વિધિને લઇને પુરાવા ન મળતા આને લઇને અટકળોનો દોર જારી રહ્યો છે. અસારામ આશ્રમ ગુરૂકુલમાં રહેતા બે બાળકોના અપમૃત્યુ કેસની તલસ્પર્શી તપાસ માટે રાજ્યની સંવેદનશીલ સરકારે સમગ્ર કેસની તપાસ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ડીકે ત્રિવેદીના અધ્યક્ષપણા હેઠળ અલાયદા તપાસ પંચની નિમણૂંક કરી હતી. અસારામ આશ્રમ ખાતે બે બાળકોના અપમૃત્યુના બનેલા બનાવના તથ્યો અને કારણોની તપાસ કરવી તથા આ બનાવની પોલીસ દ્વારા યોગ્ય તપાસ થઇ છે કે કેમ તે અંગે તપાસ કરવી અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તે અંગેના સુચનો કરવાના હેતુસર જસ્ટીસ ડીકે ત્રિવેદી તપાસ પંચની રચના કરવામાં આવી હતી. તપાસ પંચનો અહેવાલ તલસ્પર્શી તપાસ અને તારણો સાથે આજે વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસ પંચનો અહેવાલ ગૃહમાં રજુ કરતા જણાવ્યું છે કે તપાસ પંચના તારણ અનુસાર એફએસએલ રીપોર્ટ તથા તબીબી પુરાવાઓને ધ્યાને લેતા બંને બાળકોના મૃત્યુ ડુબી જવાને કારણે થયા હોવાનું નકારી શકાય નહીં. તે ઉપરાંત બંને બાળકોના શરીરના કેટલાક અવયવો તાંત્રીક વિધિ માટે કાઢી લેવામાં આવ્યા હોવાનું સાબિત થતું નથી. લાંબા સમય પાણીમાં રહેવાના કારણે મૃતદેહો કોહવાઇ ગયા હોવાથી સ્થાનિક પોલીસ દ્વારા બંને બાળકો (મૃતકો)ને ઓળખી કાઢવામાં થોડો વિલંબ થયો છે, આ સિવાય તપાસમાં પોલીસની કોઇ ચુક જણાયેલ નથી.
તપાસ પંચ એવા તારણ પર આવેલી છે કે આસારામ આશ્રમ ગુરૂકુળમાં રહેતા બાળકોની પુરતી કાળજી લેવામાં આવતી ન હતી. તપાસ પંચ દ્વારા કરવામાં આવેલા સુચનો પર વિચારણા કરી રાજ્ય સરકાર દ્વારા ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.