સમગ્ર દેશને હચમચાવી મુકનાર વર્ષ ૨૦૦૨ના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર અને નાસતા ફરતા આરોપી યાસીન ગુલામ ભાટને અનંતનાગથી પકડી પાડવામાં ગુજરાત એટીએસને સફળતા હાથ લાગી છે. જમ્મુ કાશ્મીરમાં તેને પકડી પાડવામાં આવ્યા બાદ આજે સાંજે ગુજરાત લવાયો હતો તેની આકરી પુછપરછ બાદ કેટલીક નવી ચોંકાવનારી વિગતો પણ ખુલી શકે છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આતંકવાદને નાથવા માટે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતી અખત્યાર કરી છે. ત્યારે રાજ્યમાં આતંકવાદ હુમલા ન થાય તે માટે પણ સરકાર સતર્ક છે. રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિના પરીણામે સીમાથી ઘુસવાનો પ્રયાસ થઇ શકતા નથી એટલે જ આતંકી હુમલા રોકવામાં સફળતા મળી છે. વર્ષ ૨૦૦૨માં અક્ષરધામ ગાંધીનગર પર થયેલ આતંકવાદી હુમલાના મુખ્ય કાવત્રાખોરને ગુજરાત એટીએસ દ્વારા જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેને આજે સાંજે ગુજરાત લાવવામાં આવ્યો હતો. રાજ્યના આ જાબાઝ એટીએસના અધિકારીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની કામગીરીને બીરદાવી અભિનંદન પાઠવ્યા છે. અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે ગુજરાતના પનોતાપુત્ર – તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આતંકવાદને નાથવા માટે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું હતું. જેના પરિણામે આજે ગુજરાત પર કોઇ ઉંચી આંખ કરીને જોઇ શકતું નથી. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેના અક્ષરધામ ખાતે વર્ષ ૨૦૦૨માં આતંકીઓએ હુમલો કર્યો હતો અને મંદિરમાં પ્રવેશીને ભાવિક ભક્તોને બાનમાં લીધા હતા તે સમયે રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિ અને દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિ અને સમય સૂચકતાના પરીણામે કેન્દ્રિય સહાય મળી અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે બચાવ ઓપરેશન હાથ ધરાયું અને મોટી જાનહાની રોકી શકાઇ હતી. આ આતંકી હુમલામાં સામેલ તમામ લોકોને સજા મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પણ પુરેપુરો સહયોગ આપીને રસ દાખવ્યો છે જેના પરીણામે આ સફળતા મળી છે. આ સમગ્ર કામગીરી માટે મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. મંત્રી જાડેજાએ સમગ્ર કેસની ટૂંકી વિગતો આપતા કહ્યું કે તા. ૨૪.૦૯.૨૦૦૨ ના રોજ સાંજના આશરે ૦૪ઃ૩૦ વાગે, એ.કે.-૪૭ રાયફલ અને હેન્ડ ગ્રેનેડ વિગેરે સાથે બે ઇસમો ગાંધીનગર, ગુજરાત ખાતે આવેલ પ્રખ્યાત અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરમાં ઘુસી જઇ દર્શનાર્થીઓ તથા રાઇડ્સમાં બેસેલ બાળકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરેલ અને હેન્ડ ગ્રેનેડ નાખવાનું ચાલુ કરી દીધું હતું. જે સંદર્ભે નેશનલ સીક્યુરીટી ગાર્ડ (એનએસજી) કમાન્ડોને નવી દિલ્હી થી બોલાવાયા હતા અને એનએસજી દ્વારા કરવામાં આવેલ ઓપરેશનમાં થયેલ ઇજાઓના કારણે બન્ને વ્યક્તિઓના મોત થયા હતા.
આ હુમલામાં, એનએસજી કમાન્ડો, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને ત્રણ એસઆરપીના જવાનો સહિત કુલ૩૩ વ્યક્તિઓએ પણ જાન ગુમાવ્યા હતા. આ હુમલામાં ૨૩ પોલીસ જવાનો સહિત લગભગ ૮૬ જેટલા વ્યક્તિઓ ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હતા. જાડેજાએ ઉમેર્યું કે આ યાસીન ભાટકશ્મીરના અનંતનાગ ખાતે મંઝૂર, કામીલ અને ઝૂબેર સહિતના એલઈટી આતંકવાદીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરૂ રચી એલઈટી આતંકવાદીઓ દ્વારા અક્ષરધામ મંદિર પર હુમલો કરાવ્યો હતો. યાસીન ભાટ જમ્મુ અને કાશ્મીર પાસીંગ એમ્બેસેડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનુ) બનાવડાવેલ અને તેમાં એકે-૪૭ તથા અન્ય હથિયારોનો જથ્થો તેમાં મૂકી આ એમ્બેસેડરને ચાંદખાન મારફતે બરેલી, ઉત્તર પ્રદેશ ખાતે પહોંચાડેલ અને અન્ય આતંકવાદીઓ સાથે ચાંદખાનની મુલાકાત કરાવેલ. ત્યારબાદ ચાંદખાન અને શકીલ ટ્રેન મારફતે છદ્ભ-૪૭ અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવેલ. અમદાવાદમાં અન્ય એલઈટી આતંકવાદીઓ સાથે મળીને તેઓએ અક્ષરધામ હુમલાને અંજામ આપેલ. વર્ષ ૨૦૦૩ માં ચાંદખાન પકડાઈ જતાં યાસીન ભાટ તેને પોતાની અક્ષરધામ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણી વિષેનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું અને જો તે એમ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ આરોપી હુમલા પછી પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં નાસી ગયેલ હતો. ગુજરાત એટીએસ આ આરોપીની શોધ-ખોળમાં હતી અને આ દરમ્યાન જાણકારી મળતા કે આ આરોપી અનંતનાગમાં આવેલ છે. જેથી એટીએસ અને એસઓજી-અમદાવાદની સયુંક્ત ટીમ અનંતનાગ રવાના થયેલ, અને અનંતનાગ પોલીસની મદદ વડે આરોપીની અટકાયત કરવામાં આવી છે. એલઈટી(લશ્કર-એ-તોયબા)નો આ આતંકી મોહમ્મદ યાસીન ગુલામ મોહિઉદ્દીન ભાટ હાલ અનંતનાગ ખાતે લાકડાના વેરહાઉસમાં કામ કરતો હતો. આ કેસમાં નામદાર સેસન્સ કોર્ટ દ્વારા અમુક આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. જે નામ ગુજરાત હાઇકોર્ટે કાયમ રાખી હતી, તેમ તેમણે ઉમેર્યું હતું.