રાજુલા શહેરમાં ગઇ કાલે પકડાયેલા અતિ ચર્ચાસ્પદ રેશનિંગ કૌભાંડમાં આજે ૬ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે રિમાન્ડ માંગતા ૧૦ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા સોફ્ટવેર બનાવી ખોટા અંગુઠા આપી રેશનીંગનો જથ્થો બરોબાર સગે વગે કરતા હોવાની તપાસ થતા રાજુલાના શૈલેષ સરવૈયા ધારીની શેઠ વ્યાજબી ભાવની દુકાન ધારીની એ.આર.ચાવડાની દુકાન, જાફરાબાદના ટીંબીની એન.જે.પરમાર, જાફરાબાદની પી.વી.પુરોહિત, પાટી માણસાની હિંમતજોગડીયાની દુકાન સહિત આઠ શખ્સો સામે ગુન્હો દાખલ કરાયો હતો. જેમાં આજરોજ આ ૬ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. તપાસનીશ અધિકારી પી.આઇ. જેઠવા દ્વારા વિવિધ તપાસના મુદ્દાઓ રજુ કરી ૧૪ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ સોફ્ટવેર ક્યાંથી આવ્યો છે રાજસ્થાન સુધી આનું કનેકશન છે તે દિશામાં ઉપરાંત ૨ આરોપીઓ બાકી છે તે દિશામાં તપાસનો ધમધમાટ ચાલુ છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કઇ કઇ જગ્યાએ આવા સોફ્ટવેરો દ્વારા હેક કરી ખોટા અંગુઠા આપેલ છે તે દિશામાં તપાસનો ધમધમાટ ચાલુ કરાયો છે.
રાજુલામાં રેશનિંગ કૌભાંડમાં પુરવઠા વિભાગમાં અધિકારીઓ બદલાવવા માંગ
રાજુલામાં ગઇકાલે ૮ શખ્સો સામે ખોટા અંગુઠા કરી હજારો લીટર કેરોસીન, ઘઉં, ચોખા બારોબાર સગે વગે થયાની પોલીસ ફરિયાદ થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે પૂરવઠા વિભાગમાં કડક અધિકારીઓ મુકી ઓપરેટરો બદલાવવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા પુરવઠા વિભાગમાં અનેક અરજદારો ધર્મના ધક્કા ખાય છે. કોઇને અંગુઠા મારવા સિક્કો મારવવો સહિતના કામોમાં લાંબી કતારો લાગે છે. અહિં ખાનગી ઓપરેટરો વહીવટ કરતા હોય છે. જ્યારે ગઇકાલે બનેલા કૌભાંડમાં અંગુઠા બારોબાર લાગી જતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ ઘટનામાં ખુદ મામલતદાર ફરિયાદી બન્યા હતા.
આ આખું રેશનિંગ મામલતદાર તેમજ નાયબ મામલતદાર પુરવઠાની સત્તામાં આવે છે તો આ આખું કૌભાંડ બહાર આવ્યું તો આ જવાબદાર અધિકારીઓની ભૂમિકા શું તેની સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે. રાજુલા શહેર તેમજ તાલુકાના ૭૨ ગામોના લોકોના હિતમાં પુરવઠા વિભાગમાં કડક અધિકારીઓ મુકવા માંગણી ઉઠવા પામી છે. હાલના ઓપરેટરો અધિકારીઓ બદલાવવા પ્રજામાં માંગણી ઉઠી છે.