ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, ત્યારેે ભાજપ દ્વારા સત્તાવાર રીતે વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદ કરાયેલા વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વિધિવત્ રીતે અધ્યક્ષ પદ માટેનું ફોર્મ ગુજરાત વિધાનસભા ખાતે ભર્યું હતું. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ રાજેન્દ્ર ત્રિવેદીને શુભેચ્છા પણ પાઠવી હતી. બીજીબાજુ, અધ્યક્ષપદ માટેનું ફોર્મ ભરતા પહેલાં રાજેન્દ્ર ત્રિવેદીએ નિયમોનુસાર આજે ભાજપના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને તે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને સુપ્રત કર્યું હતું. બીજીબાજુ, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે વર્ષો જૂની પ્રથા મુજબ વિધાનસભા ઉપાધ્યક્ષનું પદ કોંગ્રેસને ફાળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ફરી એકવાર માંગણી કરી હતી. હાલ ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકરની જવાબદારી ડો.નીમાબહેન આચાર્ય સંભાળી રહ્યા છે. જો કે, વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે વડોદરાના રાવપુરા બેઠકના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું નામ પહેલેથી જ નક્કી મનાઇ રહ્યું હતું કારણ કે, તેમની નારાજગી દૂરવાની વાત હતી. જેથી ગઇકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિધાનસભા અધ્યક્ષપદે ભાજપ દ્વારા પસંદગી કરાઇ હોઇ તેમના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. જેને પગલે મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ આજે સવારે ૧૧ વાગ્યે વિધાનસભા ખાતે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સાથીઓ અને પ્રદેશ આગેવાનોની હાજરીમાં અધ્યક્ષપદ માટેનું ફોર્મ ભર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રીમંડળના પ્રધાનો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેઓએ સૂચિત અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતીથી ભાજપ સરકાર બની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની નવી સરકારમાં પણ મંત્રીમંડળની રચના બાદ એક પછી એક મુદ્દાઓને લઇ નારાજગી જોવા મળી હતી. જેમાં નાણાંખાતાને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિરોધનો વિવાદ ખૂબ ચગ્યો હતો. એટલું જ નહી, વડોદરા શહેર જિલ્લા ખાસ કરીને મધ્ય ગુજરાતના પ્રતિનિધિત્વને પ્રધાનમંડળમાં સ્થાન નહી મળતાં રાજેન્દ્ર ત્રિવેદીનું નામ કપાતાં એક વર્ગ નારાજ થયો હતો. બીજીબાજુ, મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ મંત્રી પદ લેવા સામે નારાજગી દર્શાવી હતી. આમ, ભાજપ માટે એક પછી એક પડકારજનક સ્થિતિ આવીને ઉભી હતી, ત્યારે મધ્યગુજરાતના પ્રતિનિધિત્વને ન્યાય આપવાના ભાગરૂપે આખરે ભાજપ દ્વારા વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને અધ્યક્ષપદે નિયુકિત કરવાનું નક્કી કરાયું હતું અને તે મુજબ તમના નામની આખરે પસંદગી થઇ હતી.