પુણા પોલીસ સ્ટેશનના એલઆર (પ્રોબેશનર પોલીસ કોન્સ્ટેબલ)એ ગુરૂવારે સાંજે સારોલી બ્રીજ પાસે એક મહિલાને રસ્તામાં રોકી દારૂની ૩૦ બાટલીઓ કબજે કરી હતી. એલઆરે મહિલા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં કરીને દારૂ લઈ લીધો અને પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ સંતાડી દીધો હતો. ઇન્સ્પેક્ટરએ જાતે પોલીસ કમ્પાઉન્ડમાં જ છાપો મારીને દારૂની ૩૦ બોટલો કબજે કરી હતી.
પુણાના ઇન્સ્પેક્ટર એમ.વી.કીકાણીએ જણાવ્યું હતું કે, તેમને બાતમી મળી હતી તેમના પોલીસ મથકના એલઆર ઇલમાન આલીફરાજે સારોલીમાં એક મહિલાને ૩ હજારના દારૂ સાથે પકડી પરંતુ મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં કરીને દારૂ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ વૃદ્ધાના ઝૂંપડામાં સંતાડી દીધો છે. તેથી પોલીસે તત્કાલિક પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આ ઝૂંપડામાં તપાસ કરી હતી. ત્યાંથી એક બેગ મળી આવી હતી જેમાં દારૂની ૩૦ બાટલીઓ હતી. વૃદ્ધાને આ બાબતે પૂછતા વૃદ્ધાએ કહ્યું કે, ઇલમાન આલીફરાજે બેગ મૂકવા માટે વિનંતી કરી હતી. તેથી તેને બેગ મૂકવા દીધી હતી. બેગમાં શું છે તેને ખબર નથી. તેથી પોલીસે દારૂ કબજે કરીને ઇલમાન વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. પુણા પોલીસે ઇલમાનની પૂછપરછ હાથ ધરી છે.