હાલમાં ભાજપમાં નવા સભ્યો બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં દુષ્કર્મના કેસમાં રાજસ્થાની જેલમાં રહેલા અને કહેવાતા બાપુ એવા આસારામ તેમજ હરિયાણાની જેલમાં સજા કાપી રહેલા આવા જ એક બાબા રામ રહીમ તથા ભારતના દુશ્મન નંબર એક ગણાતા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ હવે ભાજપના સભ્ય બની ગયા છે. એટલું જ નહીં તેમના નામના ઓળખકાર્ડ પણ થઈ ગયા છે
આ વાંચીને તેમજ સાંભળીને લોકો આ વાતને એપ્રિલ ફુલ સાથે સરખાવી છે પરંતુ આ હકીકત છે. આ સંદર્ભમાં ઊંડી તપાસ કરતા જાણવા મળ્યું છે કે, તાજેતરમાં અમદાવાદના શાહપુરના ગુલામ ફરીદ શેખ નામનો ઇસમ ભાજપનો સભ્ય બન્યો હતો અને ત્યારબાદ આ ઈસમે અન્ય નવા ત્રણ વ્યક્તિઓની સભ્ય તરીકેની નોંધણી કરી હતી. તેમજ આ ત્રણ વ્યક્તિના નામના ઈ-કાર્ડ ઈસ્યુ કરીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા છે. આ ત્રણ વ્યક્તિઓ એટલે આસારામ તથા બાબા રામ રહીમ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન.
રાષ્ટીય પક્ષ ભાજપની છબી ખરડાય તેવા આશયથી શાહપુર શાંતિ સમિતિ તેમજ એકતા સમિતિના વોટસએપ ગ્રુપમાં પણ આ ઈ-કાર્ડ વાયરલ કરી દેવાય છે. જેને પગલે ભાજપે ગુલામ ફરીદ શેખ નામના યુવાન સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.