વેસુ વીઆઇપી રોડ પર વહેલી સવારે એક બાઇક સ્લીપ ખાયને ૫૦ મીટર સુધી રોડ ઉપર ઘસડાયા બાદ ડિવાઈડર સાથે ભટકાય હતી. બાઇક સવાર બન્ને કિશોરોને આ અકસ્માતમાં ગંભીર ઇજા થઈ હતી. રાહદારીઓ એ આ બન્ને કિશોરોની પૂછપરછ કરતા બન્ને કિશોરો પાંડેસરાની દેવકીનંદન સ્કૂલના વિદ્યાર્થી હોવાનું અને શાળાએ બંક મારી ડુમસના દરિયા કિનારેથી પરત ફરતી વખતે એક્સિડન્ટ સર્જાયાનું જણાવ્યું હતું.
ભટાર લોકેશનની ૧૦૮ના ઈએમટી હેતલએ જણાવ્યું હતું કે, કોલ લગભગ સવારે ૮ઃ૧૫ વાગ્યાનો હતો. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બન્નેને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં એક આદિત્ય બ્રિજેશ તિવારી ઉ.વ. ૧૫ રહે ભેસ્તાન અને બીજો ઇજાગ્રસ્ત માલદીપ અશોક પણ ઉ.વ. ૧૬ રહે પાંડેસરા સાઈનગર ના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. ઇજાગ્રસ્ત બન્ને ઈસમોએ જણાવ્યું હતું કે, તેઓ પાંડેસરાની દેવકીનંદન સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા હોવાનું બહાર આવ્યું હતું.૧૦૮ની મદદથી આ બન્ને કિશોર વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાતા એકને જબડામાં ફેક્ચર અને બીજા ને હેડ ઇન્જરી થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.
બન્ને સ્ટુડન્ટના વાલીઓને એક્સિડન્ટ બાદ બાળકોને સિવિલ લવાયા બાદ જાણ થઈ હતી.જેથી તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. સાથે જ વાલીઓ માટે પણ હેરાન કરે તેવી બાબત હતી કે તેના બાળકો સ્કૂલ જવાની જગ્યાએ ડુમસ ફરવા માટે નીકળી ગયા હતાં.