મોડાસા તાલુકાના પહાડપુર ગામે ત્રણ પુત્રીઓએ પોતાના મૃતક પિતાને કાંધ આપી અને અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શુક્રવારે સાંજના સુમારે આ ત્રણે દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો. દીકરીઓએ અશ્રુભીની આંખે પિતાને અંતિમ વિદાય આપી હતી.
હિન્દુ વિધિ પ્રમાણે જ્યારે પિતાનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં પુત્ર અર્થીને કાંધ આપે છે, પરંતુ મોડાસાના પહાડપુર ગામે ત્રણ પુત્રીઓએ પિતાને કાંધ આપતાં હૃદયદ્રાવી દ્રશ્યો સર્જાયા હતા.
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ડીવાય એસપી તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જયંતીભાઈ ભગવાનદાસ પટેલનું દુઃખદ અવસાન થતાં તેની સગી ૩ દીકરીઓ અને પરિવારજનોએ કાંધ આપી દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપી એક પુત્ર ધર્મ નિભાવ્યો હતો. જેના ખોળામાં રમી મોટા થયાં એ જ પિતાને સ્મશાન વળાવતી વખતે દીકરીઓએ હૃદય પર પથ્થર મુકી અગ્નિસંસ્કાર અને કાંધ આપી હતી. જે દરમિયાન આખા ગામમાં ગમગીનના દ્રશ્યો સર્જાયા હતા.
સુજાતાબેન, મમતાબેન અને રચનાબેન પટેલે અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે, ’અમે ક્યારેય સ્મશાન આવ્યા નથી. પરંતુ એક દીકરાની ભૂમિકા અદા કરવા માટે અમે અમારા પિતાને કાંધ આપીને અગ્નિસંસ્કાર કર્યા છે. અમારા જીવનમાં અમારા પિતાનો સિંહફાળો રહ્યો છે. જેનું ઋણ અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. અમે ત્રણે બહેનો સાસરે છીએ. અમે જે પિતાની છત્રછાયા ગુમાવી છે, તેનો આઘાત વર્ણાવી શકાય તેમ નથી.’ પહાડપુર ગામમાં આ પ્રથમ ઘટના બની હતી કે જ્યાં દીકરીઓએ તેના પિતાને સ્મશાન સુધી કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા.