આ ઘટનાને લઈ ગાંધીનગરના સ્થાનિક દલિત આગેવાનો દ્વારા ભાનુભાઇના મૃત્યુના મુદ્દે બંધનું એલાન આપવામાં આવતાં રસ્તાઓ પર ચક્કાજામ જોવા મળ્યો હતો. ગાંધીનગરમાં રસ્તો રોકવામાં આવતા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. આ રસ્તા રોકવામાં મહિલાઓ પણ સામેલ હતી. જોકે અટકાયત બાદ તેમણે પોલીસને ચક્કાજામ ના કરવાની ખાતરી આપતા છોડી મુકવામાં આવ્યા હતા.
પાટણ અને ઊંઝાના સ્થાનિક દલિત આગેવાનો દ્વારા ભાનુભાઇના મૃત્યુના મુદ્દે બંધનું એલાન આપવામાં આવતાં ઊંઝાથી પાટણ સુધીના ગામોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેમાં ઊંઝામાં જડબેસલાક બંધની સાથે એસટી બસના કાચ તોડવાની ઘટના પણ બની હતી. સાથે જ લોકોએ પાટણ હાઇવ પર ચક્કાજામ કર્યો હતો. આ મામલે મહેસાણામાં સોમનાથ ચોકડી હાઈ વે પર પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે રાજ્ય સરકારે મુખ્યસચિવને તપાસ સોંપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. સ્વર્ણિમ સંકુલ-૧માં મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં દલિત આગેવાનોની બેઠક મળી છે. જેમાં મધ્યસ્થી તરીકે શંભુપ્રસાદ ટૂંડિયા, આઇપીએસ આર.બી. બ્રહ્મભટ્ટ, કમલ દયાણી સહિતના અગ્રણીઓ હાજર છે. શંભુપ્રસાદ ટૂંડિયાએ જણાવ્યું હતું કે, સરકાર માંગણીઓને લઇને સકારાત્મક છે અને માંગણીઓએ અંગે સરકાર ટૂંક સમયમાં જ જાહેરાત કરી શકે છે. ખાસ કરીને ગાંધીનગર ખાતે આવેલા મંત્રી નિવાસ ખાતે સુરક્ષા વધારી દેવાઇ છે. દલિતોને સરકાર તરફથી આપવામાં આવેલ જમીનના કબજાની માંગને લઈને આત્મદાહ કરનારા દલિત સામાજીક કાર્યકર્તા ભાનુભાઈ વણકરનું મોડી રાત્રે મોત થતા ભડકેલા સમાજે રાજ્યમાં અનેક સ્થાન પર પ્રદર્શન કર્યુ. હાઈવે પર જુદા જુદા સ્થાન પર ચક્કાજામ કરી દીધો. નેતા વિપક્ષ પરેશ ધાનાની, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે સરકારને દલિત વિરોધી બતાવતા આડે હાથે લીધા તો બીજી બાજુ પીડિત પરિવારે ન્યાય ન મળવા સુધી તેમનુ શબ લેવાની ના પાડી દીધી.
ભાનુભાઇના ભાઇની માંગણીઓ
* જે હેતુ માટે ભાનુભાઈએ આંદોલન કર્યું તેનું નિવારણ લાવવામાં આવે.
* ૨૪ કલાકમાં જે જમીનનો મુદ્દો છે તેનો આદેશ સરકાર કરે
* ગુજરાતમાં આવા જે કેસો છે જમીનના તે તમામ કેસોને તાત્કાલિક લાભાર્થીઓ ને ફળવવામાં આવે
* ભાનુભાઈ ૫ વર્ષથી સરકાર સેવામાં નિવૃત્ત થયા અને લોકોની સેવા કરી હતી, પ્રાણની આહુતિથી ઓછી નથી એટલે સન્માન કરાય
* ભાનુભાઈના પુત્રોને સારી નોકરી આપવામાં આવે
* જ્યાં આ ઘટના બની ત્યાં અને ઊંઝા ખાતે તેમનું સ્મારક બનાવવામાં આવે
* માનસિક રીતે આઘાતમાંથી બહાર આવીને અમે કટિબદ્ધ છીએ અને અમે આગળ કાર્યવાહી કરીશું જે અમને અમારા ભાઈ ભાનુભાઈએ શીખવાડ્યું છે
* જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય
* માંગણી નહીં સ્વીકારાય તો લાશ નહીં સ્વીકારાય