વર્ષ ૨૦૦૨માં ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર થયેલા હુમલાના મુખ્ય સુત્રધાર અને લશ્કર-એ-તૈયબાના મોહમ્મદ યાસીન મોહઉદ્દીન બટ્ટ નામના આંતકીને અત્રેની સ્પેશ્યલ ડેઝીગ્નેટેડ કોર્ટે આજે છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો મહત્વનો હુકમ કર્યો હતો. ગઇકાલે ગુજરાત એટીએસએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી આંતકી યાસીન બટ્ટની ધરપકડ કરી હતી. આરોપીને અનંતનાગની કોર્ટમાં રજૂ કરીને છ દિવસના તેના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવીને તેને હવાઈમાર્ગે ગુજરાત લાવવામાં આવ્યો હતો. દરમ્યાન શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આજે લોખંડી પોલીસ જાપ્તા વચ્ચે આંતકી યાસીન બટ્ટને ભદ્ર સેશન્સ કોર્ટ ખાતેની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કર્યો હતો, જેની સુનાવણી બાદ સ્પેશ્યલ કોર્ટે આંતકી યાસીન બટ્ટના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ માંગતી અરજીમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે મહત્વના કારણોમાં જણાવાયું હતું કે, હાલના આરોપી યાસીન બટ્ટે અક્ષરધામ હુમલામાં માર્યા ગયેલા આંતકવાદી ઝુબેરના કહેવાથી અને તેણે આપેલા રૂ.૪૦ હજારથી આ ગુનમામાં ઉપયોગમાં લેવાયેલી એમ્બેસેડર કાર ખરીદાઇ હતી અને તેમાં છુપુ ખાનું બનાવી આંતકવાદી ઝુબેર પાસેથી મેળવાયેલ હથિયારો અને સ્ફોટક પદાર્થો એકે ૫૬ રાયફલો, હેન્ડગ્રેનેડ સહિતનો જથ્થો તેમાં સંતાડાયો હતો અને આરોપી શાનમીયાં ઉર્ફે ચાંદખાન સાથે મોકલી અપાયો હતો. આ એમ્બેસેડર કાર આરોપી યાસીન બટ્ટે કોની પાસેથી ખરીદી હતી અને હથિયારો-દારૂગોળો કયાંથી અને કેવી રીતે મેળવ્યો હતો તેની તપાસ કરવાની છે. આરોપી બનાવ બન્યો ત્યારથી આજદિન સુધી આટલા વર્ષો સુધી સતત નાસતો ફરતો રહ્યો હતો, તેથી તેને કોણે કોણે આશરો આપ્યો હતો અને તે કયાં નાસતો રહ્યો તે તમામ મુદ્દાની પૂછપરછ કરવાની છે. આરોપી આ ગુનામાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓ મુશ્તાક, સરતાજ અને કામીલ સાથે પણ સંપર્ક ધરાવતો હોઇ તેમના વિશે પણ માહિતી મેળવવાની છે. આરોપી આટલા વર્ષો નાસતો ફરતો રહ્યો તે દરમ્યાન તેણે અન્ય કોઇ આંતકવાદી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવાની છે. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટની આ રિમાન્ડ અરજી અને રજૂઆત ધ્યાને લીધા બાદ સ્પેશ્યલ કોર્ટે આંતકી યાસીન બટ્ટના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત ૨૫ સપ્ટેમ્બર,૨૦૦૨ના રોજ સાંજે ૪.૩૦ વાગે અક્ષરધામ મંદિર પર બે સશસ્ત્ર ફિદાઇન ત્રાસવાદીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં ૩૨ શ્રધ્ધાળુઓના મોત નીપજયા હતા અને આશરે ૭૯ ઘાયલ થયા હતા. હુમલા સમયે ૬૦૦ લોકો મંદિરમાં હતા. અક્ષરધામ હુમલા બાદ ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. યાસીન બટ્ટે કશ્મીરના અનંતનાગ ખાતે મંઝૂર, કામીલ અને ઝૂબેર સહિતના એલઈટી આતંકવાદીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરૂ રચી એલઈટી આતંકવાદીઓ દ્વારા અક્ષરધામ મંદિર પર હુમલો કરાવ્યો હતો.
યાસીન બટ્ટ જમ્મુ અને કાશ્મીર પાસીંગ એમ્બેસેડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનુ) બનાવ્યું હતું અને તેમાં એકે-૪૭ તથા અન્ય હથિયારોનો જથ્થો તેમાં મૂકી આ એમ્બેસેડરને ચાંદખાન મારફતે બરેલી, ઉત્તર પ્રદેશ ખાતે પહોંચાડ્યો હતો. અન્ય આતંકવાદીઓ સાથે ચાંદખાનની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ ચાંદખાન અને શકીલ ટ્રેન મારફતે છદ્ભ-૪૭ અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં અન્ય એલઈટી આતંકવાદીઓ સાથે મળીને તેઓએ અક્ષરધામ હુમલાને અંજામ આપ્યો હતો. વર્ષ ૨૦૦૩ માં ચાંદખાન પકડાઈ જતાં યાસીન ભાટ તેને પોતાની અક્ષરધામ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણી વિષેનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું અને જો તે એમ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ આરોપી હુમલા પછી પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં નાસી ગયેલ હતો. ગુજરાત એટીએસ આ આરોપીની શોધ-ખોળમાં હતી અને આ દરમ્યાન જાણકારી મળતા કે આ આરોપી અનંતનાગમાં આવેલ છે. જેથી એટીએસ અને એસઓજી-અમદાવાદની સયુંક્ત ટીમ અનંતનાગ રવાના થઈ હતી અને ત્યાંથી તેને પકડી પાડ્યો હતો અને ગુજરાત લાવવામાં આવ્યો હતો.