દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં અનેક જગ્ગાઓએ ભારે વરસાદ જારી રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદના સ્વરૂપે અનેક જગ્યાઓએ જનજીવન ખોરવાઈ ગયું હતું. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદ થયો છે. તાપીમાં પણ ભારે વરસાદ થયો છે. સાપુતારામાં ભારે વરસાદના પરિણામ સ્વરૂપે વાતાવરણ રોમાંચક બની ગયું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તાપીમાં ડોલાવાડો ડેમ ઓવરફ્લો થઈ જતા પાણીની તંગી દુર થવાના સંકેતો મળી રહ્યા છે. મોટાભાગના જળશયો અને ડેમ પણ ઓવરફેલો થયા છે. નર્મદા જિલ્લા અને શહેરમાં પણ ભારે વરસાદ થયો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. રાજ્યના ૬૮ તાલુકાઓમાં ૧ થી ૩૯ મીમી સુધીનો વરસાદ થયો છે. નર્મદા જિલ્લા અને આસપાસ વિસ્તારોમાં બપોર બાદ ભારે વરસાદ તુટી પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બીજી બાજુ ઉત્તર પક્ષિણ મધ્ય પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સક્યુલેશનની સ્થિતિ સર્જાઈ છે. જેના લીધે ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. દાહોદ, મહિસાગર, પચંમહાલ, નવસારી, સુરત અને ડાંગમાં પણ વરસાદની ચેતવણી જારી કરાઈ છે. ગુજરાતને અસર કરતી એવી બે સિસ્ટમ સક્રિય થવાને પગલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાત રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના જારી કરાઇ છે. હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ સરકાર અને તંત્ર પણ હાઇ એલર્ટ પર છે. એનડીઆરએફ, ફાયરબ્રિગેડ સહિતના જવાનોને પણ સ્ટેન્ડ ટુ રહેવાની તાકીદ કરી દેવાઇ છે. આગાહી મુજબ, રાજયમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ, નોર્થ ઓડિશા અને ઝારખંડ પર બનેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, તેવી જ રીતે ઉત્તર પ્રદેશ પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ આવી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૪ કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે. જ્યારે તા.૩૦ જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતા મોરબી, જામનગરમાં વરસાદની સંભાવના છે. જેથી કુલ મળીને આગામી પાંચ દિવસમાં વરસાદની સંભાવના છે. તા.૩૧ જૂલાઈ પછી એક લો પ્રેશર એરિયા સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં બનશે. જેના બે-ત્રણ દિવસ બાદ એટલે કે તા.૨ અને ૩ ઓગસ્ટે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. અત્યાર સુધી અમદાવાદમાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી તા.૨૮ અને ૨૯ જૂલાઈએ અમદાવાદ અને ગાંધીનગરથી મધ્ય ગુજરાત તરફ પણ સારો વરસાદ પડે તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, તેમજ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન ખાતાની આ આગાહીને પગલે તંત્ર દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. બીજીબાજુ, સરકારી તંત્ર અને વહીવટી તંત્ર આ આગાહીને પગલે હાઇ એલર્ટ પર આવી ગયું છે. એનડીઆરએફ, ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની રાહત અને બચાવની ટીમોને સ્ટેન્ટ ડુ રાખી સંબંધિત સ્થાનો પર તૈનાત કરી દેવાઇ છે.