આઈસીસીએ ન્યૂઝિલેન્ડ સામે વર્લ્ડકપ ફાઈનલમાં ઈંગ્લેન્ડને ઓવરથ્રોના પાંચની જગ્યાએ છ રન આપવાના વિવાદિત નિર્ણય પર અમ્પાયર કુમાર ધર્મસેનાનો બચાવ કર્યો છે. વર્લ્ડકપ ફાઈનલ પછી પહેલીવાર ઈન્ટરનેશનલ ક્રિકેટ પરિષદે સાર્વજનિક નિવેદન આપ્યું છે કે ઈંગ્લેન્ડને ૧૪ જુલાઈના રોજ લોડ્ર્સ પર થયેલી ફાઈનલમાં છ રન આપવામાં સાચી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.આઈસીસી જનરલ મેનેજર (ક્રિકેટ) જ્યૌફ અલાર્ડિસે ઈએસપીએન ક્રિકઈન્ફોને કહ્યું કે,’મેદાનમાં અમ્પાયરને તે સમયે જ નિર્ણય લેવાનો હતો કે થ્રો ફેંકવાના સમયે બેટ્સમેનોએ ક્રોસ કર્યો હતો કે નહીં.’ તેમણે કહ્યું કે,’સમગ્ર વિશ્લેષણ કરવામાં આવે તો તેમણે સાચી પ્રક્રિયાનું પાલન કરીને જ નિર્ણય લીધો હતો.અલાર્ડિસે કહ્યું કે રમવાની શરતો હેઠળ મેચ રેફરી અથવા થર્ડ અમ્પાયર દખલ આપી ન શકે. તેમણે કહ્યું કે ભારતના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી આઈસીસીની ક્રિકેટ સમિતિ સમગ્ર ફાઈનલ પર ધ્યાન આપશે. જોકે, તેની બેઠક ૨૦૨૦ની પહેલા ત્રિમાસિક પહેલા નહીં હોય. શું ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને સંયુક્ત વિજેતા ઘોષિત કરવા પર સવાલ ઉઠ્યા હતાં. અલાર્ડિસે કહ્યું કે માત્ર એક જ વિશ્વ ચેમ્પિયન હોવું જરુરી છે.