પેપ્સીકો ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે ઉત્તરપ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્નેક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે આગામી ત્રણ વર્ષમાં ૫૧૪ કરોડ રૂપિયાનું જંગી મૂડીરોકાણ કરનાર છે. આ નવા પ્લાન્ટના કારણે મોટી સંખ્યામાં રોજગારીની તકો પણ સર્જાશે. પેપ્સીકો નવા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ સાથે ભારતમાં તેના સ્નેક્સના કારોબારને બે ગણા સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. ૨૦૨૨ સુધી સ્નેક્સ કારોબારને ડબલ કરીને નવી ઉંચી સપાટી ઉપર લઇ જવામાં આવશે. પ્રત્યક્ષ અને પરોક્ષરીતે નોકરીની તકો વધુ સર્જાય તેવા પ્રયાસો પણ થશે. ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં થોડાક દિવસ પહેલા જ મહત્વની પહેલ થઇ હતી. ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં ઇન્વેસ્ટર સમિટના કાર્યક્રમમાં સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પેપ્સીકો ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્લાન્ટના સ્થળ ઉપર સ્થાનિક લોકોને રોજગારીની તકો આપવામાં આવશે. ખુબ જ ઉદારરીતે આ સમજૂતિ મહાકાય કંપની દ્વારા સરકાર સાથે કરવામાં આવી છે જેનાથી લોકોને ફાયદો થશે.