નવાપુરા વિસ્તારમાં કેવડાબાગ સામેના એપાર્ટમેન્ટમાં રહેતાં વિનોદભાઈ મિસ્ત્રીની બે કિડની, લિવર અને આંખોનું દાન કરવામાં આવ્યું હોવાથી ૩ થી ૫ લોકોને નવજીવન મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં વિનોદભાઈએ શુક્રવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતાં.
સ્વ. વિનોદભાઈ મિસ્ત્રીના મોટાભાઈના પુત્ર આનંદ મિસ્ત્રીએ જણાવ્યું કે, મારા ૫૫ વર્ષિય અપરણિત કાકા શેરબજારમાં ઓપરેટર તરીકે કામ કરતાં હતાં. થોડા દિવસ અગાઉ મોડી સાંજે તેઓ જમીને પાણી પીવા ગયા ત્યારે અચાનક ચક્કર આવીને પડી ગયા હતાં. જેમાં તેમના માથામાં ઈજા પહોંચી હતી. તેમની જીભ થોથવાઈ ગઈ હતી અને હાથ પગ ખેંચાવા લાગ્યા હતાં. તેથી અમે તેમને માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. ત્યાં તબિયત વધુ લથડતાં તેઓને ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ગ્લોબલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન અચાનક તેમની તબિયત કથળી હતી. સિટી સ્ક્રેનના રિપોર્ટ અનુસાર તેમના મગજમાં લોહી પ્રસરી ગયું હતું અને બ્લડ પ્રેશર પર કંટ્રોલમાં નહોતું. વિનોદકાકાની પહેલાથી જ ઇચ્છા હતી કે, મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવે જેથી બીજા લોકોને નવજીવન મળે.