મુબારકપુરમાં દિપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

689

ગાંધીનગર જિલ્લાના પિંપળજ, પિંડારડા, અલુવાના જંગલો તથા કોતરોમાં દિપડો જાણે કાયમી વસવાટ કરતો હોય તેમ આંતરે દિવસે જોવા મળે છે ત્યારે ગાઇકાલે રાત્રીના સમયે મુબારકપુરમાં દિપડાએ દેખા દિધી હતી જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જો કે, રાત્રીના સમયે વનવિભાગના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા પરંતુ દિપડાના કોઇ સગડ મળ્યા ન હતા આખરે આ વિસ્તારમાં પણ પાંજરૂ મુકવામાં આવ્યું છે.

સચિવાલયમાં દિપડાએ પગલાં પાડયા બાદ સાબરમતી નદી કિનારાના ગામોમાં દિપડાના સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે.અગાઉ પાલજ અને બાસણમાં દિપડો દેખાયો હોવાનું ખેડૂતોએ કહ્યું હતું તો ત્યાર બાદ પિંપળજ, પિંડારડાના જંગલો તથા અલુવાની કોતરોમાં દિપડાએ પાંચ મહિનાથી જાણે વસવાટ જ બનાવી દીધો હોય તેમ આ વિસ્તારમાં વારંવાર શિકારના અવશેષો ગ્રામજનો અને વનવિભાગના કર્મીઓને મળતા હોય છે.

તો મહૂડી પાસે પણ વનકર્મીએ દિપડાને દેખ્યો હતો. આવી સ્થિતિમાં દિપડાને અહીંથી પકડવા માટે ગાંધીનગર વનવિભાગ દ્વારા બનાસકાંઠાની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે રાત્રીના સમયે મુબારકપુર પાસે ઝાડી વિસ્તારમાં દિપડો સ્થાનિકને દેખાયો હતો.

ઝાડી વિસ્તારમાં રાત્રીના સમયે એકાએક કુતરાઓ ભસવા લાગ્યા હતા જેને લઇને સ્થાનિકોએ અહીં ટોર્ચ કરી હતી ત્યાં તેમને દિપડો દેખાતા તેઓ ગભરાઇ ગયા હતા અને તકેદારીના ભાગરૂપે વનવિભાગને જાણ કરવામાં આવી હતી વનવિભાગના અધિકારીઓએ રાત્રીના સમયે સર્ચ કર્યું હતું પરંતુ દિપડો દેખાયો ન હતો આખરે આ વિસ્તારમાં મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યું છે અને ગ્રામજનોને સાવચેત કરાયા છે.

Previous articleસે-૭ના રહેણાંક વિસ્તારમાં પાંચ કોમર્શિયલ એકમ સીલ
Next articleદૂધસાગર દૂધ ઉત્પાદકોને ભાવફેર આપશે, પશુપાલકોને ૧૬૦ કરોડનો વધારો અપાશે